નવી દિલ્હી : મિશન મંગળ અને ચંદ્ર પછી ઇસરો હવે શુક્રના રહસ્યોને શોધવાની તૈયારી કરી રહ્યું છે.સૌર મંડળના સૌથી ગરમ ગ્રહની સપાટી નીચેના ભેદ ઉકેલવા તેમજ શુક્રને આવરી લેતા સલ્ફ્યુરિક એસિડના વાદળોના ભેદ પારખવા માટે ઇસરો સ્પેસક્રાફ્ટ તૈયાર કરી રહ્યું છે.એક દિવસની ‘વિનસિયન સાયન્સ’ અંગેની બેઠકમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું કે, મિશન વિનસ અથવા શુક્ર ગ્રહ પર અંતરિક્ષ યાન મોકલવાની યોજના તૈયાર કરાઈ છે.પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાયો છે અને નાણાંની વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથે વૈજ્ઞાનિકોને આ મિશનમાં અસરકારક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, “શુક્ર માટેના મિશનની વિચારણા અને તૈયારી ભારત માટે ટૂંકા ગાળામાં શક્ય બની છે. ભારત આજે આ મિશન માટે ક્ષમતા ધરાવે છે.” ઇસરો ડિસેમ્બર ૨૦૨૪માં લોન્ચિંગ વિન્ડોની યોજના ધરાવે છે.જ્યારે ભ્રમણકક્ષાના વિવિધ સંશોધન પછીના વર્ષે કરવામાં આવશે.આ એ સમય હશે જ્યારે પૃથ્વી અને શુક્ર એટલા નજીક અને સમાન રેખામાં હશે કે અંતરિક્ષ યાનને બહુ ઓછી મહેનતે પાડોશી ગ્રહની ભ્રમણકક્ષાનો ઉપયોગ કરીને તરતું મૂકી શકાશે.આવી તક ફરી ૨૦૩૧માં ઉપલબ્ધ બનશે.ઇસરોના ચેરમેન સોમનાથે શુક્ર પર મોકલાયેલા અગાઉના મિશનમાં કરાયેલા પ્રયોગોનું પુનરાવર્તન કરવા સામે ચેતવણી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૧ અને ‘મિશન મંગળ’ની જેમ આ મિશનમાં અસરકારક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.ઇસરો શુક્રની સપાટી પરની વિવિધ પ્રક્રિયા સહિત ઘણા રહસ્યો શોધવાની યોજના ધરાવે છે.