નવી દિલ્હી,તા. ૨૯: ૩૧ ડિસેમ્બર સુધીમાં ઇન્કમટેકસ અને જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે.જોકે હજુ પણ ૪૦ ટકા કરદાતાઓએ ઇન્કમટેકસના રિટર્ન ભરપાઇ કર્યા નથી.આવી જ સ્થિતિ જીએસટી વાર્ષિક રિટર્નની પણ છે.કારણ કે તેમાં ૫૦ ટકા કરદાતાઓએ હજુ પણ રિટર્ન ભરવાના બાકી છે.આજ કારણોસર આઈટી અને જીએસટી રિટર્ન ભરવાની તારીખ ૩૧ માર્ચ કરવામાં આવે તેવી માંગણી સીએ, ટેકસ કન્સલ્ટન્ટ એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહી છે.
નોટબંધી પછી ઇન્કમટેકસ રિટર્ન ભરનારાઓની સંખ્યામાં સતત વધારો ં થઇ રહ્યો છે.તેમાં પણ ગત વર્ષે ૬.૬૫ કરોડ કરદાતાઓએ આઇટી રિટર્ન ભર્યા હતા. જયારે આજદિન સુધીમાં હજુ ૪.૭૦ કરોડની આસપાસ જ રિટન ભરાયા છે.આ ઉપરાંત નોટબંધી બાદ દર વર્ષે આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યામાં પથી ૧૦ ટકા સુધીનો વધારો થઇ રહ્યો છે.આજ કારણોસર ચાલુ વર્ષે કોરોનાની કપરી સ્થિતિનો સામનો કરવો પડયો ના હોત તો નાણાકીય વર્ષમાં આઇટી રિટર્ન ભરનારાઓની સંખ્યા ૭ કરોડને પાર કરી જવાની શકયતા જાણકારોએ વ્યકત કરી છે.
હજુ પણ ૪.૭૦ કરોડ કરદાતાઓએ જ આઇટી રિટર્ન ભર્યા હોવાથી બાકીના બે કરોડ કરદાતા આગામી ત્રણ દિવસમાં રિટર્ન ભરી શકે તેવી શકયતા નહિવત છે.આ જ કારણોસર આઇટી રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગણી ઊઠી રહી છે.તેમજ આઇટી રિટર્ન મુદત ભર્યા બાદ ભરવામાં આવે તો ઓડિટ વિનાના રિટર્ન માટે ૧૦ હજાર જયારે ઓડિટ સાથેના રિટર્ન માટે કુલ ટર્નઓવરના ૦.૫૦ ટકા એટલે કે ઓછામાં ઓછા ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવાની નોબત આવીને ઊભી રહે તેમ છે.
આ ઉપરાંત જીએસટી વાર્ષિક રિટર્ન ભરવામાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ છે.કારણ કે હજુ પણ ૫૦ ટકા કરદાતાઓએ જીએસટી વાર્ષિક રિટર્ન ભરપાઇ કર્યા નથી. તેમજ આગામી ત્રણ દિવસમાં તે પણ ભરપાઇ થઇ શકે તેમ નથી તેમ છતાં સીએ અને ટેકસ કન્સલ્ટન્ટ માટે હાલમાં જીએસટી વાર્ષિક રિટર્ન કરતા આઇટી રિટર્ન ભરવું વધારો મહત્ત્વનું છે.જેથી મોટા ભાગમાં ટેકસ કન્સલ્ટન્ટ અને સીએ આઈટી રિટર્ન ભરવા પર જ ધ્યાન આપી રહ્યા છે.
તારીખ લંબાવવા મુદે મુંબઇ હાઇકોર્ટમાં રીટ થઇ
આઇટી રિટર્ન ભરવાને આડે ગણતરીના ત્રણ જ દિવસ બાકી રહા છે.તેમજ આ ત્રણ દિવસમાં આઇટી રિટન ભરી શકાય તેમ નહીં હોવાના કારણે મુંબઇ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્કમટેકસ એસો. દ્વારા હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે.જેથી આગામી દિવસોમાં તેની સુનાવણી યોજીને આઇટી રિટર્ન લંબાવવામાં આવે છે કે નહીં તેનો નિર્ણય થવાનો છે.
રિટર્ન ભરવાની તારીખ લંબાવવી જોઇએ
કોરોનાના કારણે સરકાર દ્વારા રિટન ભરવાની તારીખ લંબાવી છે છતાં હજુ પણ અનેક કરદાતાઓ રિટર્ન ભરપાઇ કરી શકયા નથી તેના કારણે તેની મુદતમાં વધારો કરવાનો નિર્ણય કરવો જોઇએ.આ ઉપરાંત દંડની જોગવાઇમાં પણ રાહત આપવામાં આવે તો કરદાતાઓને લાભ થશે,
– વિરેશ રૂદલાલ, સીએ