નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020, મંગળવાર
કોરોનાના કારણે ભારતની ઈકોનોમીને ભારે ફટકો પડ્યો છે. સરકાર હવે ટુંક સમયમાં આર્થિક પેકેજનુ એલાન કરી શકે છે.
નાણા મંત્રી નિર્મલા સિતારમને આજે પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, ઈનકમટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવીને 30 જુન કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે, 30 જુન સુધી ડિલેડ પેમેન્ટના વ્યાજદરને ઘટાડીને 12 ટકાથી નવ ટકા કરી દેવાયો છે. તેની સાથે જ ટીડીએસ ડિપોઝિટ માટેના વ્યાજ દર પણ 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યા છે.
ટીડીએસ ફાઈલિંગની છેલ્લી તારીખ પણ 30 જુન 2020 રહેશે. આધારને પેન સાથે લિન્ક કરવાની તારીખ પણ પાછળ લઈને 30 જુન કરવામાં આવી છે. સાથે સાથે વિવાદ સે વિશ્વાસ સ્કીમની સમયસીમા પણ વધારીને 30 જુન કરવામાં આવી છે. આ સમય મર્યાદા પણ પહેલા 31 માર્ચ હતી.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 3 મહિના સુધી ડેબિટ કાર્ડથી અન્ય બેન્કોના ATMથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સિવાય બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું ફરજીયાત રહેશે નહીં. મિનિમમ બેલેન્સ મેન્ટેઇન કરવા પર લાગતો ચાર્જ ખતમ કરી દીધો છે.
નિર્મલા સિતારમને કહ્યુ હતુ કે, જીએસટી રીટર્ન ફાીલ કરવાની તારીખ પણ લંબાવીને 30 જુન કરાઈ છે. સરકારે પાંચ કરોડ સુધીનુ ટર્ન ઓવર કરનારા વેપારીઓ પાસેથી લેટ ફી નહી લેવાનુ પણ નક્કી રક્યુ છે.
આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને 30 જૂન 2020 કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સબકા વિશ્વાસ સ્કીમની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.
રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, કંપનીઓને બોર્ડ મિટિંગ કરવા માટે 60 દિવસની મુદત આપવામાં આવી છે. સરકાર કંપનીઓને રાહત આપવા માટે ઈન્ડિયન બેન્કરપ્સી કોડને પણ સસ્પેન્ડ કરી શકે છે.