અમદાવાદ,તા.7 સપ્ટેમ્બર 2022, બુધવાર : દાતાઓ પાસેથી ચેકથી 1 કરોડ રૂપિયા લઈને તેમાંથી 10થી 15 લાખ રાખી લઈને બાકીના રૂ. 85થી 90 લાખ રોકડામાં પરત આપી દઈને મની લૉન્ડરિંગનું કામ કરતાં રાજકીય પક્ષો પર આવકવેરા ખાતાએ ગુજરાત સહિત દેશભરમાં દરોડા પાડ્યા છે.દેશમાં અંદાજે 110 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.તેમાંથી 70થી 80 ટકા સ્થળો ગુજરાતમાં આવેલા હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે.આ દરોડાના માધ્યમથી અબજોના મની લોન્ડરિંગના વહેવારો પકડાવાની સંભાવના હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે.
આ દરોડા આવરી લેવામાં આવેલી પાર્ટીઓમાં અમદાવાદના ધરણીધર વિસ્તારમાં આવેલી ગોલ્ડમાઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક કૉલેજના પ્રમોટર શીતલ અગ્રવાલનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે.માન્યતા ન ધરાવતા પરંતુ ઇલેક્શન કમિશનમાં રજિસ્ટ્રેશન કરાવી બેઠેલા રાજકીય પક્ષોને ડોનેશન લાવી આપીને મની લૉન્ડરિંગની પ્રવૃત્તિને વેગ આપી રહેલા ગુજરાતના ખાસ્સા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.આ પક્ષો ડોનેશનના ચેક લઈને ત્યારબાદ પોતાના કમિશન કાપી લઈને બાકીની રકમ રોકડેથી દાતાઓને પરત કરી દેતા હતા.આ રીતે તેઓ મની લૉન્ડરિંગ કરીને ટેક્સની ચોરી કરવામાં પણ સાથ આપતા હતા.ગુજરાત ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણાના નાના નાના રાજકીય પક્ષોને અને તેમને માટે ડૉનેશન લાવીને મની લૉન્ડરિંગ કરનારાઓને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગત જૂન મહિનામાં માન્યતા ન ધરાવતી,પણ રજિસ્ટ્રેશન ધરાવતા 111 રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન રદ કરી દેવાના કરેલા નિર્ણય બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે.આ રાજકીય પક્ષો દ્વારા ગંભીર નાણાંકીય અનુચિતતા આચરવામાં આવી હોવાનું જણાતા તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની ભલામણ પણ ચૂંટણી પંચે કરી હતી.ગત 25મી મેએ ચૂંટણી પંચે 87 જેટલા માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોના નામ ચૂંટણી પંચે કમી કરી દીધા હતા.સમગ્રતયા 2100 જેટલા રાજકીય પક્ષો માન્યતા ન ધરાવતા પક્ષ તરીકે ઇલેક્શન કમિશનમાં રજિસ્ટર થયેલા છે.આ પક્ષો સામે કાયદેસર પગલાં લેવાના થતાં હોવાનો નિર્દેશ પણ ચૂંટણી પંચે જ આપ્યો હતો.આ પક્ષોએ ડોનેશનને લગતા નિયમોનો ભંગ તેમણે કર્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.
ગેરકાયદે રસ્તાઓ અપનાવીને રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડનારાઓને ઝપટમાં લેવામાં આવ્યા છે.તેમાં રજિસ્ટર્ડ અનઆર્ગેનાઈઝ પોલિટિકલ પાર્ટીઓનો સમાવેશ થાય છે.રાજકીય ડૉનેશન લઈને તેમાંથી કમિશન આપીને બાકી રકમ રોકડેથી પરત કરી દઈને મની લૉન્ડરિંગ કરનારાઓ તેમના સરનામે મોજૂદ ન હોવાનું પણ જોવા મળ્યું હતું. આ પ્રકારની 2100 જેટલી સંસ્થાઓ હોવાનું આવકવેરા ખાતાના ધ્યાનમાં આવ્યુ હતું.તેમને આપવામાં આવતા નાણાંકીય ભંડોળની વિગતો પણ તેઓ આવકવેરા ખાતામાં દર્શાવતા નહોતા.તેમ જ તેમના સરનામા અને સંસ્થાના હોદ્દેદારોના નામ પણ અપડેટ કરતાં નહોતા.તેમને પાઠવવામાં આવેલા પત્રો અને નોટિસો પણ ડિલીવર થયા વિના પરત આવ્યા હતા.તેથી આવકવેરા ખાતાએ તેમને મળવાપાત્ર લાભો પાછા ખેંચી લેવાના પગલાં પણ લીધા હતા.તેમને નોટિસ પાઠવ્યા બાદ પ્રતિભાવ ન મળતા રજિસ્ટ્રેશન કેન્સલ કરવાના પગલાં લીધા હોય તેમને તેમના તરફથી કોઈ રજૂઆત કરવી હોય તો આવકવેરા ખાતાએ તેમને 30 દિવસનો સમય પણ તેમને આપ્યો હતો.આ ગાળામાં તેમને તેમના અસ્તિત્વના પુરાવાઓ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.ત્યારબાદ ચૂંટણી પંચે કેન્દ્રના નાણાં ખાતાને સંબંધિત રજિસ્ટર્ડ અનઓર્ગેનાઈ પોલિટિકલ પાર્ટીઓ સામે જરૂરી કાનૂની પગલાં લેવાની સૂચના આપી હતી.તેમાંથી ત્રણ પાર્ટીઓએ ગંભીર નાણાંકીય ગેરરીતિઓ આચરી હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો.ત્યારબાદ આ રિપોર્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને મોકલવામાં આવ્યો હતો.