નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં ગઈકાલે હાઈ સિકયોરીટી ઝોનમાં આવેલી ઈઝરાયેલની દૂતાવાસ કચેરી નજીકના વિસ્ફોટે ફકત દિલ્હી પોલીસ જ નહી પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ હચમચાવી દીધું છે.જો કે આ બ્લાસ્ટસમાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી અને ફકત થોડી કારના કાચ તૂટયા છે પણ વિશ્ર્વમાં ઈસ્લામીક ક્ટ્ટરવાદી માટે તથા ઈરાન સહિતના દેશો માટે દુશ્મન જેવા ઈઝરાયેલની દૂતાવાસ કચેરી જે રીતે નિશાન બની તે દિવસની દૂતાવાસ સુરક્ષામાં મોટા ગાબડા તરીકે જોવામાં આવી રહી છે અને દિલ્હી પોલીસ ઉપરાંત ગુપ્તચર વિભાગો રો-આઈબી સહિતની ટીમો આ ધડાકાની તપાસમાં દોડધામ કરી રહી છે.
ગઈકાલે રાત્રીના અહી સીસીટીવીની તપાસમાં સંદીગ્ધ જણાતા બે વ્યક્તિઓને એક કારમાંથી બહાર નીકળતા અને શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા હવે તેની ઓળખ મેળવીને શોધખોળ શરુ થઈ છે તો આ હુમલામાં કોઈ ઈરાનીયમની સંડોવણીની શકયતા પર દિલ્હીની તમામ હોટેલોનું ચેકીંગ શરુ થયું છે અને વિદેશી નાગરિકોની ચકાસણી શરુ થઈ છે.હાલમાં જ ઈરાનના એક અણુ વૈજ્ઞાનિક કમ લશ્કરી અધિકારીની ડ્રોન હુમલાની હત્યામાં ઈઝરાયેલની ભૂમિકા બહાર આવી હતી તેથી આ હુમલામાં ઈરાની નાગરિકની સંડોવણીની શકયતા પણ નકારાતી નથી તો દિલ્હી છોડી જઈ રહેલા વિમાની પ્રવાસીઓની પણ યાદી ચકાસાઈ રહી છે.
કોઈપણ પ્રકારના ત્રાસવાદી હુમલા સામે આકરુ વલણ અપનાવી વિશ્ર્વમાં સૌથી ઘાતક પુરવાર થયેલી ઈઝરાયેલની જાસૂસી એજન્સી ‘મોસાદ’ની એક ટીમ પણ દિલ્હી તપાસ માટે આજે દિલ્હી પહોંચી રહી છે. ભારત અને ઈઝરાયેલના રાજદ્વારી સંબંધોની 29મી વર્ષગાંઠ કાલે જ હતી અને તે સમયે જ થયેલો હુમલો સૂચક છે.આ બ્લાસ્ટ ઈઝરાયેલ દૂતાવાસ અને તે દેશને ચેતવણી રૂપે કરાયો હોય તેવી શકયતા છે.જેમાં ઓછા વિધ્વંશક એમોનિયન નાઈટ્રેટનો ઉપયોગ થયો છે.
ઘટના સ્થળેથી એક ગુલાબી રંગનો સ્કાફ અને એક કવર મળી આવ્યું હતું અને તેમાં ટુ ધ એમ્બેસેડર રાજદૂતને એવું લખાણ અને દૂતાવાસનું સરનામું પણ છે તેમાં હવે ફિંગરપ્રિન્ટની તપાસ કરાશે.જે બન્ને શંકાસ્પદ છે તે એક કેબમાંથી ઉતર્યા હતા અને તેની કેબના ડ્રાઈવરની પુછપરછ શરુ કરીને તેના પર સંભવિત હુમલાખોરની તપાસ શરુ થઈ છે.દિલ્હી પોલીસે ગઈકાલે રાત્રીથીજ પાટનગરમાં કરોડોના દૌર શરુ કરીને કોઈ સુરાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હી પોલીસને ગઈકાલે સાંજે 5.05 વાગ્યે એક વ્યક્તિએ આ વિસ્ફોટની માહિતી આપી હતી.બાદમાં સમગ્ર એરીયા સીલ થયા છે.સ્નીફર ડોઝ સ્કવોડ પણ ઉતારાઈ હતી. 2012માં આ જ પ્રકારનો એક વિસ્ફોટ ઈઝરાયેલના દૂતાવાસ બહાર થયો હતો તેની પણ ફાઈલ ફરી ઉખેડાઈ છે.