નવી િદલ્હી : જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકની ફરિયાદના આધારે CBIએ ભ્રષ્ટાચારના આરોપમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.સરકારી કર્મચારીઓની મેડિકલ ઇન્શ્યોરન્સ સ્કીમના કોન્ટ્રાક્ટની ફાળવણી અને કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ અંગેના કામ બાબતે બે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.એફઆઇઆર નોંધ્યા પછી સીબીઆઇ દ્વારા ગુરુવારે જમ્મુ, શ્રીનગર, દિલ્હી, મુંબઇ, ઉત્તરપ્રદેશમાં નોઇડા, કેરલમાં ત્રિવેન્દ્રમ અને બિહારમાં દરભંગા સહિતના ૧૪ સ્થળે સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી.CBIએ જમ્મુ-કાશ્મીરના સરકારી કર્મચારીઓ માટેની વિવાદિત હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ બાબતે એફઆઇઆરમાં રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ અને ટ્રિનિટી રિ-ઇન્શ્યોરન્સ બ્રોકર્સ પર આરોપ મૂક્યો છે.મલિકે ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮ની રાજ્ય વહીવટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. FIRમાં આરોપ મુકાયો છે કે, “જમ્મુ-કાશ્મીર સરકારના નાણાવિભાગના અજાણ્યા અધિકારીઓએ ષડયંત્રના ભાગરૂપે ટ્રિનિટી રિઇન્શ્યોરન્સ બ્રોકર્સ અને રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથે મળીને તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે.અન્ય અજાણ્યા સરકારી અધિકારીઓ અને ખાનગી લોકોએ પણ આ ફોજદારી ષડયંત્ર અને ગેરરીતિમાં ભાગ ભજવ્યો હતો.તેને લીધે ૨૦૧૭ અને ૨૦૧૮માં રાજકીય તિજોરીને નુકસાન થયું હતું.” વિવિધ વર્તુળોના આરોપ પ્રમાણે રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સને અપાયેલા કોન્ટ્રાક્ટમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરાયું છે.જેમકે, ઓનલાઇન ટેન્ડરની ગેરહાજરી, વેન્ડરનો રાજ્યો તેમજ રૂ.૫,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ સાથે કામ કરવાનો અનુભવ જેવી મૂળ શરતની બાદબાકી વગેરે બાબતોમાં સરકારી નિયમોનું પાલન થયું નથી.

