દિલ્હીની જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટી એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. કેમ્પસમાં આ વખતે મહમદ અલી ઝીણાનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સોમવાર રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ કેમ્પસની અંદર વિનય દામોદર સાવરકર માર્ગનાં સાઇન બૉર્ડ પર સફેદ પેઇન્ટથી બીઆર આમ્બેડકર માર્ગ લખી દીધું હતુ. તો કેટલાક સમય પછી તેના પર સહી ફેંકીને ઝીણાનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા.
પેઈન્ટથી લખવામાં આવ્યું ‘આમ્બેડકર માર્ગ’
સવાર થતા ઝીણાની તસવીરને ત્યાંથી હટાવીને ફરી પેઇન્ટથી આમ્બેડર માર્ગ લખી દેવામાં આવ્યું હતુ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રેસિડન્ટ શિવમ ચૌરાસિયાનું કહેવું છે કે અસામાજિક તત્વો દ્વારા આ શરમજનક હરકત કરવામાં આવી. અમે કૉલેજ એડમિનથી સંપૂર્ણ તપાસ માંગીએ છીએ. જો કે જેએનયૂ એડમિનિસ્ટ્રેશન અથવા પોલીસને કોઈ લેખિત ફરિયાદ હજુ સુધી આપવામાં આવી નથી.
JNU વહીવટી તંત્રએ રોડનું નામ વિનય દામોદર સાવરકર માર્ગ રાખ્યું
ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા જ જેએનયૂ તંત્રએ કેમ્પસની અંદર એક રોડને વિનય દામોદર સાવરકર માર્ગ નામ આપવામાં આવ્યું હતુ. કેમ્પસનાં આ નિર્ણય પર વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તો જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષે પણ આની નિંદા કરતા ટ્વીટ કરીને જેએનયૂ તંત્રને આડેહાથે લીધું હતુ, પરંતુ જેએનયૂ વહીવટી તંત્ર અડગ રહ્યું અને રોડનાં નામમાં કોઈ બદલાવ નથી કર્યો.
સાઇન બૉર્ડ પર લગાવ્યા ઝીણાનાં પોસ્ટર
જેએનયૂ પ્રશાસને જે રોડનું નામ વિનય દામોદર સાવરકર માર્ગ રાખ્યું હતુ, તે જ રોડનાં સાઇન બૉર્ડ પર કેટલાક અસામાજિક તત્વોએ નામ બદલીને આમ્બેડકર માર્ગ કરી દીધુ હતુ. એટલું જ નહીં અસામાજિક તત્વોએ સાઇન બૉર્ડ પર ઝીણાનાં પોસ્ટર પણ લગાવ્યા. આ હરકત કરવા પાછળ કોણ કોણ છે તેનો ખુલાસો અત્યાર સુધી થઈ શક્યો નથી. તો પોલીસનું કહેવું છે કે આ સંબંધમાં અત્યાર સુધી કોઈ ફરિયાદ પ્રાપ્ત નથી થઈ.