– છેલ્લા કેટલાક મહિનાથી એમએનએસ થાણેના ખરાબ રસ્તા બાબતે થાણે મહાનગરપાલિકા (ટીએમસી)નું ધ્યાન દોરી રહી છે એમ છતાં ટીએમસી દ્વારા આ બાબતને નજરઅંદાજ કરાઈ રહી હતી
થાણેમાં રસ્તા પરના ખાડાના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે અને તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે એવો આક્ષેપ કરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના શહેર અધ્યક્ષ રવીન્દ્ર મોરે અને એમએનએસના લીગલ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ સ્વપ્નીલ મહિન્દરકર દ્વારા ગઈ કાલે થાણેના સિટી એન્જિનિયર પ્રશાંત સોનાગ્રાને કુંભકર્ણની છબી ભેટ આપી આ બાબતને ગંભીરતાથી લઈ વહેલી તકે ખાડા પૂરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.જોકે સામે પક્ષે સિટી એન્જિનિયર પ્રશાંત સોનાગ્રાનું કહેવું હતું કે ખાડા પડવા અને ખાડા ભરવા એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે.અમે વરસાદ પહેલાં જ માર્ચ,એપ્રિલ અને મે મહિનામાં જ એની સમીક્ષા કરી રૂપિયા ૨.૫ કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને ખાડા પૂરવાનું કામ ચાલુ કરી દીધું હતું.
છેલ્લા કેટલાક મહિનાથી એમએનએસ થાણેના ખરાબ રસ્તા બાબતે થાણે મહાનગરપાલિકા (ટીએમસી)નું ધ્યાન દોરી રહી છે એમ છતાં ટીએમસી દ્વારા આ બાબતને નજરઅંદાજ કરાઈ રહી હતી. દિવામાં આગાસન ફાટા પાસે રવિવારે રાતે ૧૧.૩૦ વાગ્યે ટીવીએસ જ્યુપિટર બાઇક પર જઈ રહેલા ૨૨ વર્ષના ગણેશ વિઠ્ઠલ ફળેની બાઇક ખાડામાં જતાં તેણે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને રસ્તા પર પટકાતાં સામેથી આવી રહેલું પાણીનું ટૅન્કર તેના પર ફરી વળતાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું,જ્યારે અકસ્માતની બીજી ઘટના રવિવારે કોપરીમાં બની હતી અને એ અકસ્માતમાં પણ એક યુવાને જીવ ગુમાવ્યો હતો.
એમએનએસના જણાવ્યા મુજબ ટીએમસીએ રસ્તા પરના ખાડા પૂરવા છેલ્લાં છ વર્ષમાં ૧૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે છતાં દર વરસાદમાં ખાડા પડી જાય છે અને લોકોના જીવ જાય છે.થાણેના રસ્તાની કન્ડિશન સુધરે એ માટે નગરવિકાસ ખાતા દ્વારા ટીએમસીને ૧૮૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને એ અંતર્ગત થાણેના મહત્ત્વના રસ્તાઓનું કૉન્ક્રીટીકરણ અને ડામરના અન્ય રસ્તા પર પાતળું કૉન્ક્રીટનું લેયર પાથરી રસ્તા તૈયાર કરવાનો કૉન્ટ્રૅક્ટ અપાયો છે.જોકે એ ૨૭ રસ્તાઓનું કામ પણ હાલ વરસાદના કારણે અટકી ગયું છે.
આ બાબતે ટીએમસીના સિટી એન્જિનિયર પ્રશાંત સોનાગ્રા કહ્યું હતું કે થાણેમાં ૧૫૦૦ જેટલા ખાડા હોવાનું અમને જણાઈ આવ્યું હતું.અમે એ ભરવા ૨.૫ કરોડનું ટેન્ડર પણ બહાર પાડ્યું હતું અને એ ખાડા અમે ભરી પણ રહ્યા છીએ.અમે થાણેના ૧૨૭ રસ્તા નવા બનાવી રહ્યા છીએ અને કૉન્ક્રીટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે.હાલ વરસાદના કારણે એ કામ અટક્યું છે,જે દિવાળી પછી ફરી ચાલુ કરવામાં આવશે.થાણેના ૬૫ ટકા રસ્તા કૉન્ક્રીટના બનાવાયા છે,જ્યારે મુંબઈના ૯૫ ટકા રસ્તા કૉન્ક્રીટના બનાવી દેવાયા છે.જે રસ્તા ડામરના છે ત્યાં જ ખાડા પડે છે અને એ ખાડા અમે ભરી રહ્યા છીએ.