મધ્યપ્રદેશના રાજકારણમાં છેલ્લાં કેટલાંક દિવસથી ઉથલપાથલ મચી ગઇ છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ બેંગલુરૂથી પ્રેસ કોન્ફરન્સ કરી. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય ઇમરતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા અને અમને તેમણે ઘણું બધું શીખવાડ્યું છે. આગળ તેમણે કહ્યું કે અમે હંમેશા તેમની સાથે રહીશું ભલે અમારે કૂવામાં કૂદવું પડે.
બળવાખોર ધારાસભ્ય ગોવિંદ સિંહ રાજપૂતે કમલનાથ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે સીએમ કમલનાથે કયારેય અમને 15 મિનિટ સાંભળ્યા નથી. જ્યારે તેમણે અમને વિકાસ કામો માટે પૂછવું જોઇએ.
મધ્યપ્રદેશનો રાજકીય ડ્રામા સતત ચાલુ છે. રાજ્યપાલે કમલનાથ સરકારને આજે ફ્લોર ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે કમલનાથે કહ્યું છે કે કોંગ્રેસની પાસે બહુમતી છે આથી તેઓ ફલોર ટેસ્ટ માટે તૈયાર નથી. ભાજપ ઇચ્છે તો અવિશ્વાસ પ્રસ્તાવ લઇ આવે. આ બધાની વચ્ચે બળવાખોર ધારાસભ્યોએ બેંગલુરૂમાં પત્રકાર પરિષદ કરી અને કમલનાથ પર અનદેખી કરવાનો આરોપ મૂકયો.
રાજ્યપાલ ફલોર ટેસ્ટ માટે આદેશ આપી ચૂકયા છે સીએમ કમલનાથને
રાજ્યપાલ ત્રણ વખત કમલનાથ સરકારને ફલોર ટેસ્ટનો આદેશ આપી ચૂકયા છે પરંતુ તેઓ આદેશ માનવા તૈયાર નથી. સોમવારના રોજ ફરીથી તેઓ રાજભવન પહોંચ્યા. ત્યારબાદ તેમણે કહ્યું કે જો કોઇ એ કહે છે કે અમારી પાસે નંબર નથી તો તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. હું શું કામ ફલોર ટેસ્ટ આપું? કમલનાથે કહ્યું કે 16 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા નથી અને તેમણે સામે આવવું જોઇએ.
એકબાજુ ભાજપ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. આજે આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવાની છે. બીજીબાજુ રાજ્યપાલ લાલજી ટંડને ત્રીજી વખત મધ્યપ્રદેશ સરકાર અને સ્પીકરને પત્ર લખીને કહ્યું કે મંગળવારના રોજ ફ્લોર ટેસ્ટ કરાવામાં આવે. આ દ્રષ્ટિથી આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટની સુનવણી અને મધ્યપ્રદેશમાં થનાર હલચલ પર નજર બની રહેશે.