વડોદરા : સરકારે નવા ગ્રાન્ટેડ કોર્સને મંજૂરી આપવાનુ બંધ કરી દીધુ હોવાથી હવે એમ.એસ.યુનિવર્સિટીમાં જેટલા પણ નવા કોર્સ શરુ થાય છે તે હાયર પેમેન્ટ જ હોય છે.જેમાં વિદ્યાર્થીઓને ઉંચી ફી ભરીને પ્રવેશ મેળવવાનો હોય છે.છેલ્લા દસેક વર્ષમાં વિવિધ ફેકલ્ટીઓએ સંખ્યાબંધ નવા હાયર પેમેન્ટ કોર્સ શરુ કર્યા હોવાથી હવે યુનિવર્સિટીમાં ચાલતા કુલ હાયર પેમેન્ટ કોર્સની સંખ્યા ૫૦ કરતા વધી ગઈ છે.આમ યુનિવર્સિટીનુ પૂરજોશમાં ખાનગીકરણ થઈ રહ્યુ છે.યુનિવર્સિટીએ છેલ્લા પાંચેક વર્ષથી તો સેલ્ફ ફાઈનાન્સ કોર્સનુ અલગ બજેટ બનાવવાનુ શરુ કર્યુ છે.જેમાં ૨૦૨૧-૨૨ની વાત કરવામાં આવે તો આ વર્ષનુ સેલ્ફ ફાઈનાન્સ કોર્સનુ ટર્ન ઓવર ૩૩.૨૩ કરોડ રુપિયા પર પહોંચ્યુ છે.આમ યુનિવર્સિટીને હાયર પેમેન્ટ કોર્સમાં વિદ્યાર્થીઓની ફીમાંથી કુલ ૩૩.૭૩ કરોડ રુપિયાની આવક થઈ છે.તેની સામે યુનિવર્સિટીએ આ કોર્સમાં ભણાવતા અધ્યાપકોના પગાર, બીન શૈક્ષણિક કર્મચારીઓના પગાર, લાઈટ બિલ અને બીજા મેન્ટેન્સ મળીને કુલ ૨૭.૬૪ કરોડ રુપિયાનો ખર્ચ વર્તમાન નાણાકીય વર્ષમાં કર્યો છે.
યુનિવર્સિટીએ ફાઈનાન્સિયલ એસ્ટિમેટમાં રજૂ કરેલી માહિતી પ્રમાણે વધેલા ૬.૦૯ કરોડ રુપિયામાંથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બીજા ૧.૪૩ કરોડ રુપિયા આ વર્ષે ખર્ચ કરવામાં આવ્યા છે.એ પછી પણ યુનિવર્સિટીને ૪.૬૬ કરોડ રુપિયા મળ્યા છે.બીજી રીતે કહેવામાં આવે તો હાયર પેમેન્ટ કોર્સમાંથી આ વર્ષે યુનિવર્સિટીને ૪.૬૬ કરોડ રુપિયાનો નફો થયો છે.ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના બીબીએ, બીસીએ કોર્સ, બીએસસી હાયર પેમેન્ટ કોર્સમાંથી યુનિવર્સિટીને સૌથી વધારે ફીની આવક થઈ રહી છે.


