નવી દિલ્હી : દેશની ટોચની ઓઈલ અને ગેસ ઉત્પાદક કંપની ઓએનજીસીને ચાલુ નાણાકીય વર્ષમાં ગેસ બિઝનેસમાં ~6000 કરોડની ખોટ થવાનો અંદાજ છે.ગત વર્ષ કરતાં આ ખોટ 50 ટકા વધારે થઈ જશે તેમ મનાય છે.સરકારે ગેસના ભાવ છેલ્લાં એક દાયકાની સૌથી નીચી સપાટીએ લાવી દેતા કંપનીને આ નુકસાન થશે. ONGCને 2017-18માં ગેસ બિઝનેસમાં ~4272 કરોડની ખોટ થઈ હતી,જે ચાલુ વર્ષમાં વધીને ~6000 કરોડ થવાનો અંદાજ છે.2019-20ના અંતિમ આંકડા હજી જાહેર નથી થયા, પરંતુ તેમાં ~4500 કરોડની ખોટ રહેવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારે નવેમ્બર 2014માં નવી ગેસ પ્રાઈસિંગ ફોર્મ્યૂલા લાગુ કરી ત્યારથી ઓએનજીસીને રોજનું 6.5 કરોડ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરનું ગેસ ઉત્પાદન કરે છે તેના પર નુકસાન થઈ રહ્યું છે.કારણ કે ગેસનો સરપ્લસ જથ્થો ધરાવતા અમેરિકા,કેનેડા અને રશિયા જેવા દેશોની પ્રાઈસિંગ ફોર્મ્યૂલાને આધારે ગેસના ભાવ નક્કી થાય છે.આ ફોર્મ્યૂલા હેઠળ દર છ મહિને ગેસના ભાવની સમીક્ષા થાય છે.ચાલુ વર્ષમાં 1 એપ્રિલે સરકારે ગેસના ભાવ ઘટાડીને 2.39 ડોલર પ્રતિ બ્રિટિશ થર્મલ યુનિટ કરી દીધા છે,જે છેલ્લાં એક દાયકામાં સૌથી ઓછા છે.
સૂત્રોએ કહ્યું હતું કે ઓએનજીસીએ કહ્યું હતું કે નવી ગેસ ડિસ્કવરી થઈ તે તમામ મહત્તવના ફિલ્ડમાંથી ગેસના બ્રેક-ઈવન ભાવ 5-9 ડોલર પ્રતિ mmBtu છે.અગાઉ ગેસ સેગમેન્ટમાંથી કંપનીને જે નુકસાન થતું હતું તે ઓઈલ બિઝનેસમાંથી ભરપાઈ થઈ જતું હતું.પરંતુ તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઐતિહાસિક કડાકો આવી ગયો જેને કારણે આ બિઝનેસ પણ મુશ્કેલીમાં છે.તેને કારણે કંપનીને ઓપરેટિંગ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ પડી જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.કંપની ઈચ્છે છે કે ગેસના ભાવ સંપૂર્ણપણે અંકુશમુક્ત કરી દેવા જોઈએ અને ફ્લોર રેટ 4.2 ડોલર પ્રતિ mmBtu રહેવા જોઈએ.


