અમદાવાદ તા. ૧૪ : વન૯૭ કોમ્યુનિકેશન લીમીટેડ નામની કંપની કે જે પેટીએમ વોલેટ,પેટીએમ મની, પેટીએમ પેમેન્ટ બેંક અને પેટીએમ વોલ સહીતની સેવાઓ ચલાવે છે તેના શેરનું લીસ્ટીંગ નવેમ્બર ૨૦૨૧માં થયું.આ શેરમાં રોકાણ માટે બહુ ઉત્સાહ જોવા મળ્યો ન હોવા છતાં તેનો પબ્લિક ઇસ્યુ ભરાઈ ગયો. રૂ.૨૧૫૦ના ભાવે રૂ.૧૮,૩૦૦ એકત્ર ક્રરનાર આ કંપની અત્યારે રોકાણકારોને રાતે પાણીએ રોવડાવી રહી છે.
કોઇપણ રોકાણમાં કેપિટલ ગેઇન્સ – એટલે કે જે ભાવે ખરીદી કરી હોય તેના ઊંચા ભાવે વેચાણ કરવાથી જે નફો મળે તે અથવા તો કેશ ફલો – ડિવીડન્ડ બોનસ વગેરે દર ત્રણ મહીને કે વર્ષે મળતા રહે એવા બે મુખ્ય પરીબળ રોકાણકારને શેરબજારમાં કંપનીના શેર ખરીદવા માટે આકર્ષે છે.આકેપિટલ ગેઇન્સ (મૂડીમાં વૃદ્ધિ) કે કેશ ફલો (રોકડ પ્રવાહ)નો નિયમ રીઅલ એસ્ટેટ,મ્યુચયુઅલ ફંડ,સોનું કે અન્ય એસેટ ક્લાસમાં પણ એક પરીબળ બની શકે છે.પણ આજે ચર્ચા માત્ર પેટીએમની કરવી છે.
લીસ્ટીંગ પછી શેરના ભાવમાં સતત ઘટાડો
રૂ.૨૧૫૦ના ભાવે આપેલા શેરનું લીસ્ટીંગ નવેમ્બરમાં થયું ત્યારે પ્રથમ દિવસે જ શેર રૂ.૧૫૬૪.૧૫ના ભાવે એટલે કે ૨૮.૨૫ ટકા ઘટી બંધ આવ્યો હતો.આ પછી ત્રણ દિવસ સુધીઘટાડા બાદ શેરનો ભાવ રૂ.૧૯૬૧.૫ની તેની સૌથી ઉંચી સપાટીએ તા.૧૮ નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો.આ પછી તેમાં સતત ઘટાડો નોંધાયો છે.
લીસ્ટીંગ સમયે રિટેલ કે વ્યક્તિગત ગ્રાહકો પાસે કંપનીના ૭.૮૧ કરોડ શેર હતા.ભાવ નીચો ગયો એટલે એવરેજ કરવા અથવા તો નીચા ભાવે ખરીદો એવી સલાહ સાથે બીજા રોકાણકારો પણ હવે કંપનીના શેરમાં ફસાયા છે.ડિસેમ્બર ૨૦૨૧ના ક્વાર્ટરમાં કંપનીના ૮.૨૭ કરોડ શેર વ્યક્તિગત રોકાણકારો પાસે હતા એટલે કે એક જ મહિનામાં બીજા ૪૫ લાખ જેટલા શેર ગ્રાહકોએ ખરીદયા હતા.
ઊંચા ભાવ સામે રૂ.૮૩,૩૩૧ કરોડનું ધોવાણ
કંપનીના શેરના ભાવસૌથી ઉંચી સપાટીએ પહોંચ્યા ત્યારે પેટીએમનું બજાર મૂલ્ય રૂ.૧,૨૧,૭૩૦ કરોડ થયું હતું.કંપનીનો લાર્જ કેપની શ્રેણીમાં એટલે કે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી ટોચની ૧૦૦ કંપનીઓમાં સમાવેશ થયો હતો.ગઈકાલે શેરનો ભાવ રૂ.૬૭૫.૩૫ની સપાટીએ બંધ આવ્યો ત્યારે તેનું બજાર મૂલ્યરૂ.૪૩,૭૯૮ કરોડ થઇ ગયું છે.અને રોકાણકારોએ રૂ.૮૩,૩૩૧ કરોડની રકમ ત્રણ જ મહિનાના ગાળામાં આ કંપનીમાં ગુમાવવી પડી છે.લીસ્ટીંગના દિવસે પેટીએમ રૂ.૧.૦૧ લાખ કરોડનું બજાર મૂલ્ય ધરાવતી કંપની બની હતી.કંપનીના ૩૫૦ જેટલા કર્મચારીઓ કરોડપતિ બન્યા છે.જોકે,પબ્લિક ઇસ્યુમાં ભાગ લેનારા દરેક રોકાણકારોને જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રિટેલગ્રાહકો રૂ.૧૦,૬૩૨ કરોડમાં નહાયા
રિટેલ ગ્રાહકોએ પણ શેરબજારમાં પેટીએમના શેરમાં નુકસાની કરી છે. તા.૧૮ નવેમ્બરના ઊંચા ભાવે રિટેલ ગ્રાહકોના ૮.૨૭ કરોડ શેરનું મૂલ્યરૂ.૧૬,૨૧૭ કરોડ હતું જે આજના રૂ.૬૭૫.૩૫ના બંધ ભાવે તેનું મૂલ્યરૂ. ૫૫૮૫ કરોડ થઇ ગયું છે એટલે કે આ ત્રણ મહિનામાં રિટેલ ગ્રાહકોના રોકાણમાં પણ રૂ.૧૦,૬૩૨ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.
કેપિટલ ગેઇન્સ કે કેશ ફલો?
શેરના ભાવમાં જે રીતે ઘટાડો જોવા મળ્યો છે,શેરનું મૂલ્યએક પણ દિવસ ઓફર પ્રાઈસ કરતા વધ્યું ન્થ્હી (ઉલટું સતત ઘટી રહ્યું છે) એનો સીધો મલતબ થયો કે પેટીએમના શેરમાં રોકેલી મૂડી વધી નથી, કેપિટલ ગેઇન્સ મળ્યો નથી.તો પછી શું રોકડ પ્રવાહ કે કેશ ફલો મળશે? આનો જવાબ પણ કમનસીબે નકારમાં છે.પેટીએમ નફો કરતી કંપની નથી.કંપનીએ ક્યારેય નફો કર્યો નથી અને ક્યારે કરશે એ નક્કી નથી.કોઇપણ કંપની નફામાંથી જ ડિવિડન્ડ ચૂકવે અને તેની ગેરહાજરીમાં સતત નવા નાણા ઉભા કરવાની તેને ફરજ પડે છે.ડિવિડન્ડ મળવાનું નથી એટલે તેમાં કોઇપણ પ્રકારનો કેશ ફલો એક રોકાણકાર તરીકે થવાનો નથી.
કંપની પોતે સ્વીકારે છે કે ખોટ કરવાનો અમારો ઈતિહાસ છે અને અમે ક્યારે નફો કરીશું એ નક્કી નથી. “અમે જોઈ શકાય એટલા લાંબા ભવિષ્યમાં ખોટ કરતા રહીએઅને ક્યારે નફો કરીશું એ કહી શકાય એમ નથી,” આવી સ્પષ્ટ વાત કંપનીએ પોતાના સેબી સમક્ષ ફાઈલ કરેલા પ્રોસ્પેક્ટસના પ્રથમ રીક્સ ફેક્ટરમાં જણાવી છે.એટલે કેશ ફલો માટે પેટીએમમાં રોકાણ કરવું જોઈએ નહિ એ તપ બહુ ચોક્કસ વાત છે.
હવે કંપનીની ખોટ પણ સમજીએ.લીસ્ટીંગ પછી કંપનીએ બે વખત પરિણામ જાહેર કર્યા છે અને બન્નેમાં ત્રિમાસિક ખોટ આગળના સમગ્ર વર્ષ કરતા વધારે છે.સતત ખોટ કરતી કંપની પાસે નાણાનો અભાવ રહે છે,કંપની ચાલુ રાખવા માટે સતત બજારમાંથી નાણા ઉભા કરવાના રહે છે આ સ્થિતિમાં કંપની રોકાણકારોએ કઈ રીતે વળતર આપશે અથવા તો કઈ રીતે શેરના ભાવ વધશે એ મોટો સવાલ છે.
ચાઈનીઝ કંપનીઓને ડેટા શેરિંગની આશંકાએ આરબીઆઈ દ્વારા પાબંધી લાદવામાં આવી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા.જોકે કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં અને કંપનીન પ્રમોટરોએ આપેલ ઈન્ટરવ્યુમાં અહેવાલ ફગાવ્યો હતો અને સમગ્ર બાબતને પાયાવિહોણી કહેવા છતા મંગળવારના સત્રમાં પણ પેટીએમના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
મંગળવારે સામાન્ય સુધારા સાથે ખુલ્યાં બાદ પણ શેર 12 કલાકે 8%ના કડાકે રૂ. 620ની આસપાસ પહોંચ્યો છે.ઈન્ટ્રાડેમાં શેરમાં રૂ. 616નું ઐતિહાસિક તળિયું જોવા મળ્યું છે અને કંપનીનું બજાર મૂલ્ય 40,000 કરોડ સુધી ઘટી ગયું છે.
પેટીએમ એક સતત ખોટ કરતી કંપની
સમય
ખોટ રૂ. કરોડ
ડિસેમ્બર
૭૭૯.૮૦
સપ્ટેમ્બર
૪૫૧.૨૦
૨૦૧૮-૧૯
૪૨૩.૫૦
૨૦૧૯-૨૦
૨૯૪.૩૩
૨૦૨૦-૨૧
૨૮૮.૧૦