ગાંધીનગર : ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલે બે મહત્વના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.સવારે ૧૦.૩૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં આયોજિત ત્રણ દિવસના આયુષ સમિટનું ઉદ્ઘાટન કરશે.આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.આ સમિટમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયુષ ક્ષેત્રે અંદાજે રૂ.૫૦૦૦ કરોડના મૂડીરોકાણ માટે હસ્તાક્ષરો થશે.બપોર બાદ વડાપ્રધાન દાહોદ પહોંચશે અને અહીં રેલવે મંત્રાલય માટે રૂ.૨૦,૦૦૦ કરોડના રોકાણથી ૯૦૦૦ એચપીના ઇલેક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના કારખાનાનું PM મોદી ખાતમુહૂર્ત કરશે.આ ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિશાળ સંમેલનને સંબોધન સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.સંમેલન બાદ સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચી PM સાંજે છ વાગ્યા બાદ નવી દિલ્હી જવા રવાના થશે.
સોમવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોને રાષ્ટ્ર સમર્પિત કર્યા પછી જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સ માટે શિલારોપણ વિધિ કરી હતી.કેન્દ્રીય આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ પામનારા આ સેન્ટરની કામગીરીને અત્યારથી જ આગળ ધપાવવાના હેતુથી આયુષ મંત્રાલય દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ૨૦થી ૨૨ એપ્રિલ દરમિયાન ત્રણ દિવસની આયુષ સમિટનું આયોજન કરાયું છે.
બુધવારે સવારે ૧૦.૩૦ વાગે PM મોદી તેનું ઉદ્ઘાટન કરશે.ત્રણ દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગસાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એકસાથે લાવશે.ત્રણ દિવસના વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ ૨૦૨૨માં ૫ પૂર્ણ સત્રો, ૮ રાઉન્ડ ટેબલ, ૬ વર્કશોપ, બે સિમ્પોઝિયમ હશે.સમિટ ખુલ્લી મુકાયા પછી બે રાઉન્ડ ટેબલ હશે, જે રાજદ્વારી કોન્ક્લેવ અને વિશ્વ માટે ભારતીય આયુષ તકો પર કેન્દ્રિત હશે.ડિપ્લોમેટ કોન્ક્લેવ રિપબ્લિક ઓફ કોંગો, લેસોથો, માલી, મેક્સિકો, રવાન્ડા, ટોગો, મોંગોલિયા, બાંગ્લાદેશ, ચિલી, ક્યુબા, ગામ્બિયા, જમૈકા, થાઈલેન્ડ, કિર્ગિઝ્સ્તાન, ઝિમ્બાબ્વે, કોસ્ટા રિકાના દૂતાવાસો અને અને માનવ સેવા, યુએસ એમ્બેસી તથા યુએસ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ કામચલાઉ સહભાગી બનશે.


