વડાપ્રધાન મોદીએ થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળની વિશ્વભારતી વિદ્યાલય યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PM મોદીએ પોતાના સંબોધનમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર થી લઈને સ્વામી વિવેકાનંદની વાત કરી હતી. PM મોદીએ કહ્યું છે કે આઝાદીના આંદોલનમાં વિશ્વભારતી યુનિવર્સિટીનું ઘણું મોટું યોગદાન છે,જેણે હંમેશા રાષ્ટ્રવાદની સૌ કોઈને પ્રેરણા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગુરુદેવના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરની નિમણૂક ગુજરાતમાં થઈ હતી.તે સમયે રવીન્દ્રનાથ ટાગોર તેમને મળવા માટે અમદાવાદ આવતા હતા, અહીં તેમણે પોતાની બે કવિતાઓ પણ લખી હતી.ગુજરાતની બેટી પણ ગુરુદેવના ઘરે વહુ બનીને આવી હતી.સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની જ્ઞાનેન્દ્રી દેવી જ્યારે અમદાવાદમાં રહેતા હતા,તે સમયે તેમણે જોયું કે અહીં મહિલાઓ સાડીનો પાલવ જમણી બાજુ રાખતી હતી,ત્યારે તેમણે ડાબી બાજુ સાડીના પાલવને નાખવાની સલાહ આપી હતી,જે આજ સુધી ચાલુ છે.
PM મોદીએ કહ્યું છે કે ગુરુદેવજી કહેતા હતા કે આપણે એવી એક વ્યવસ્થા ઊભી કરીએ જેના પ્રત્યે આપણા મનમાં કોઈ ડર ના હોય,આપણું માથું ગર્વથી ઊંચુ થાય અને આપણું જ્ઞાન તમામ બંધનોથી મુક્ત હોય.આજે દેશ રાષ્ટ્રીય શિક્ષા નીતિના માધ્યમથી આ ઉદ્દેશ્યને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.ભારતની આત્મા,ભારતની આત્મનિર્ભરતા અને ભારતનું આત્મ સન્માન એકબીજા સાથે જોડાયેલા છે.ભારતના આત્મ સન્માનની રક્ષા માટે તો બંગાળની પેઢીઓએ પોતાનું બલિદાન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું છે કે ગુરુદેવે આપણને સ્વદેશી સમાજનો સંકલ્પ આપ્યો હતો.તે આપણા ગામડાંઓ,ખેતીને આત્મનિર્ભર જોવા માગતા હતા. તેઓ વાણિજ્ય,વેપાર,કળા,સાહિત્યને આત્મનિર્ભર જોવા માગતા હતા.વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.આત્મનિર્ભર ભારત અભિયાન પણ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ છે.આ અભિયાન ભારતને સશક્ત કરવાનું અભિયાન છે,ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે. PM મોદીએ કહ્યું છે કે,વિશ્વભારતી,મા ભારતી માટે ગુરુદેવના ચિંતન,દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે.ભારત માટે ગુરુદેવે જે સપનું જોયું હતું,તે સપનાને પૂરુ કરવા માટે દેશને સતત ઉર્જા આપનારું એક આરાધ્ય સ્થળ છે.વિશ્વભારતીના ગ્રામોદયનું કામ હંમેશાથી પ્રશંસનીય રહ્યું છે.તમે 2015માં જે યોગ વિભાગની શરૂઆત કરી હતી,તે આજે ઘણું સારું કામ કરી રહ્યું છે.
PM મોદીની આ સ્પીચમાં રવીન્દ્રનાથ ટાગોરના ગુજરાતના કનેક્શન અંગે વાત કરવાનો તૃણમૂલ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે PM મોદી વારંવાર રવીન્દ્રનાથ ટાગોરનું ગુજરાત કનેક્શન અંગે કેમ વાત કરી રહ્યા હતા. ટાગોર હંમેશા એવા રાષ્ટ્રવાદનો વિરોધ કર્યો છે, જે હિંસાને વધારો આપતો હોય. તેણે જાધવપુર યુનિવર્સિટીની વાત ન કરીને સતત બંગાળનું અપમાન કર્યું છે.