કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી.પુરુલિયામાં તેમણે મમતા બેનર્જી પર તેમના જ અંદાજમાં પલટવાર કર્યો. તેમણે કહ્યું દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, સોનાર બાંગ્લા હોબે.આ દરમિયાન તેમણે મમતા બેનર્જીની ઈજાને લઈને પણ કહ્યું કે તેમની ઈજાને અમને પણ ચિંતા છે અને ઈશ્વરને કામના કરીએ છીએ કે તેઓ જલદી સ્વસ્થ થાય.
પીએમ નરેન્દ્ર મોદીએ રેલીનું સંબોધન બાંગ્લામાં શરૂ કર્યું અને પાણીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ટીએમસી પર નિશાન સાધતા કહ્યું કે પુરુલિયાને જળ સંકટથી ભર્યું જીવન અને પલાયન આપ્યું છે. ટીએમસી સરકારે પુરુલિયાને દેશના સૌથી પછાત વિસ્તાર તરીકે ઓળખ અપાવી છે. પુરુલિયાની ધરતી ભગવાન રામ અને માતા સીતાના વનવાસનું પણ સાક્ષી છે.અહીં અજુધ્યા પર્વત છે,સીતા કુંડ છે,અને અજુધ્યા નામથી ગ્રામ પંચાયત છે.કહે છે કે જ્યારે માતા સીતાને તરસ લાગી હતી ત્યારે રામજીએ જમીન પર બાણ છોડીને પાણીની ધારા કાઢી હતી. આજે પુરુલિયામાં પાણીનું સંકટ મોટી સમસ્યા છે. અહીંના ખેડૂતો, આદિવાસી-વનવાસી ભાઈ બહેનોને એટલું પાણી પણ નથી મળતું કે તેઓ ખેતી કરી શકે.મહિલાઓ પાણી માટે ખુબ દૂર જવું પડે છે.
પીએમ મોદીએ કહ્યું કે પુરુલિયા સહિત સમગ્ર ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવના છે.તે માટે આ ક્ષેત્રની કનેક્ટિવિટીમાં સુધારો કરવો પડશે.અમારી પ્રાથમિકતા પશ્ચિમ બંગાળના દરેક ક્ષેત્રને રેલવેથી જોડવાનો છે.તેમણે કહ્યું કે અહીં જેવું જળ સંકટ દેશના અન્ય ભાગોમાં પણ રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપને સેવાની તક મળી ત્યાં સેકડો કિમી લાંબી પાઈપ લાઈન બિછાવવામાં આવી.તળાવ બનાવવામાં આવ્યા.ત્યાં હવે જળસંકટ દૂર થઈ રહ્યું છે.ત્યાં ખેડૂતો અલગ અલગ પાક લઈ રહ્યા છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે 2જી મે બાદ જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, ત્યારે અમે એવી સુવિધાઓનું નિર્માણ કરીશું જે તકોની શોધમાં લોકોનું પલાયન રોકી શકશે.તેમણે વધુમાં કહ્યું કે દલિતો, આદિવાસી,પછાત વિસ્તારોના આપણા યુવા પણ રોજગારની તકો સાથે જોડાઈ શકે, તે માટે કૌશલ વિકાસ પર વધુ ફોકસ કરવામાં આવશે.અહીંના છાઉ કલાકારો,અહીંના હસ્તશિલ્પિઓને કમાણી અને માન સન્માન સાથે જોડાયેલી સુવિધાઓ મળે,એ સુનિશ્ચિત કરવામાં આવશે.
DBT અને TMC નો અર્થ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકારની નીતિ છે, DBT એટલે કે ડાઈરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર. પશ્ચિમ બંગાળમાં દીદી સરકારની દુર્નિતિ છે TMC એટલે કે ટ્રાન્સફર માય કમિશન. તેમણે વધુમાં કહ્યું કે તમારો આ જોશ, દરેક સિન્ડિકેટ, દરેક ટોળાબાજના હોશ ઉડાવી રહ્યા છે. દીદીને તમારા જનધન ખાતાથી ડર લાગે છે. બંગાળમાં કરોડો જનધન ખાતા ખુલ્યા, તમારો હક તમને મળે તેની ગેરંટી છે. સાથીઓ તમારી આ ગર્જના જણાવે છે કે દીદી સરકાર જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.


