આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાત વિઝિટ આજકાલ સામાન્ય બની છે.હમણાં છેલ્લે પીએમ મોદી આવ્યા ત્યારે એક વિકાસ કાર્યના લોકાર્પણ સમયે મોદીની સાથે રહેલા પાટીલ ચાલવા દરમિયાન લપસીને પડી ગયા. એ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો.કોઇપણ સામાન્ય વ્યક્તિ માટે ક્યારેક પગથિયું ચૂકી જવું અથવા તો ગડથોલિયુ ખાઇ જવું એ એક સામાન્ય ઘટના છે.આ સામાન્ય ઘટનાને પણ ગંભીરતાથી લઇને પીએમ મોદીએ પાટીલને પંચકર્મ થકી વેઇટ લોસ કરવાની સલાહ આપી છે.નેતા જેટલો વધુ ફિટ રહે તેટલો પાર્ટીનાં કામ માટે વધારે અસરકારક રીતે ધ્યાન આપી શકે.જેને લઇને સતત પ્રચાર પ્રસાર અને પાર્ટી કામને લઇને વ્યસ્ત રહેતા નેતા ફાઇનલી પોતાની હેલ્થ માટે હવે સમય ફાળવશે.
સૂત્રોનું માનીએ તો, આગામી 9 સપ્ટેમ્બર આસપાસ સી.આર.પાટીલ પંચકર્મ માટે દિલ્હી જશે ને ત્યા ડો. નાગેન્દ્રની છત્રછાયામાં દસ દિવસ માટે પંચકર્મની શિબિરમા ભાગ લેશે.પંચકર્મ એ શારિરીક ચુસ્તી – સ્ફૂર્તિને સફાઇ માટેનુ આયુર્વેદનું રામબાણ શસ્ત્ર મનાય છે.ને એ રામબાણ શસ્ત્રનાં જ ઉપયોગની સલાહ મોદીએ પાટીલને આપી છે.
મંત્રી નિવાસમાં મંત્રીઓનું નહી, રખડતા કૂતરાઓનું રાજ
રાજ્યમાં ભલે ભાજપ સરકારનું રાજ હોય પણ તેમના બંગલાઓ પાસે રખડતા કૂંતરાઓનું સામ્રાજ્ય છે.મંત્રી નિવાસ કે જયાં સીએમ ખુદ રહે છે ને તમામ મંત્રીઓ – રાજ્યપાલનું પણ એ જ જગ્યાએ નિવાસ સ્થાન છે.ત્યાં આજકાલ સાંજ પડે ડાઘિયા કૂંતરાઓનું રાજ શરુ થઇ જાય છે.એ કૂતરા એકલ દોકલને જોઇને ભસે ત્યાં સુધી સમજ્યા પણ તેઓ ભેગા થઇને સીધા હુમલો કરવા માટે ધસી આવે છે.
જેને લઇને મંત્રી નિવાસમાં સાયકલ,સ્કૂટર અથવા ચાલીને આવનારા સામાન્ય કર્મચારીઓ – ઘરઘાટીઓ ભયભીત છે.એજ સ્થિતિ સચિવાલયની છે. સચિવાલયમાં પ્રવેશ માટે જાત – જાતના ઓળખ પત્ર બતાવીને પાસ મેળવવા સામાન્ય જનતાને ભલે કસરત કરવી પડતી હોય પણ કૂતરાઓ માટે અહિંયા બેરોકટોકને બિન્દાસ પ્રવેશ છે.સચિવાલયમા માત્ર સાંજે જ નહી – ૨૪ કલાક રખડતા કૂતરાઓની અવરજવર એટલી તો સામાન્ય છે કે, એક તરફ નેતાઓ અને સામાન્ય જનતા સ્વર્ણિમ સંકુલમાં અવરજવર કરી રહ્યા હોય ને એજ દરવાજે કૂતરા પણ આળસ મરડીને અંગડાઇઓ લઇ રહ્યા હોય.ત્યારે મંત્રી નિવાસ અને સચિવાલયના કર્મચારીઓમાં ચર્ચા છે કે, રખડતા ઢોરની ચિંતા કરનારી રાજ્ય સરકાર -ફાઇનલી રખડતા કૂતરા માટે ચિંતા કરીને એકશન પ્લાન ક્યારે લાવશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાટીલે દરેક સીટ પરથી 10 નામો મંગાવ્યા
વિધાનસભા ચૂંટણી જાહેર થવાનેને આડે ઓલમોસ્ટ 55 દિવસનો સમય બાકી રહ્યો છે.ત્યારે, ભાજપના પ્રદેશ અધ્ષક્ષ સી.આર.પાટીલે ગુજરાતની તમામ સીટો પરથી 10-10 નામો મંગાવ્યા છે.જે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા હોય. પાટીલે શનિવારે જ એક જાહેર નિવેદન કર્યું છે કે, તેઓ ટિકિટ વહેંચણીમા નહી પડે – ટિકિટ કોને આપવી કે ના આપવી એનો નિર્ણય માત્ર ને માત્ર પીએમ મોદી અને અમિત શાહ જ લેશે.ત્યારે મનાઇ રહ્યું છે કે, સીટ દીઠ જે નામો મળશે તે નામો સીધા દિલ્હી મોકલી આપવામાં આવશે અને જો એ નામો પર કોઇ ઓપિનિયન પૂછાશે તો જ પાટીલ કે સીએમ તે મુદ્દે પોતાના વિચાર આપશે.બાકી દર વખતની જેમ અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ ઉમેદવારોની યાદી પર આખરી મહોર મારશે. જોકે, જેમ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમ્મર,મર્યાદા એને ટર્મ મર્યાદાનો નિયમ લાગુ કરવામાં આવ્યો એમ વિધાનસભા ચૂંટણીમાં પણ કોઇને કોઇ ફોર્મ્યુલા આવશે એમ સૌ કોઇ માની રહ્યા છે.જોકે, એ મુદ્દે પણ આખરી નિર્ણય કેન્દ્રીય નેતૃત્વનો જ રહેશે.
બોર્ડ નિગમમા નિમણુંકો ક્યારે?
૮ મહિના પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ
સી.આર.પાટીલે બોર્ડ નિગમોમા નિમણૂંક માટેની ટેન્ટેટીવ યાદી તમામ જિલ્લાઓમાંથી મંગાવી હતી.જેને લઇને તમામને હતુ કે, સરકાર ચૂંટણીના ૬ મહિના પહેલાં જ બોર્ડ નિગમમાં નિમણૂંકની જાહેરાત કરી દેશે. હજુ પણ ચૂંટણીના એક મહિના પહેલા બોર્ડ નિગમોમાં નિમણૂંકની જાહેરાતની તમામને આશા છે.પણ આ આશા પર ઠંડું પાણી ફરી વળે એવા સમાચાર એ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા બોર્ડ નિગમમા નિમણૂંકોની જાહેરાત નહીં કરવાનું મન રાજ્ય સરકાર બનાવી ચૂકી છે.
સામાન્ય રીતે, મજબૂત દાવેદાર હોવા છતાં અને પાર્ટીને ઉપયોગી હોવા છતા જેમને કોઇ કારણસર ટિકિટના આપી શકાય તેમ હોય.
તેવા લોકોને બોર્ડ નિગમમાં સમાવી લેવાતા હોય છે. જેને લઇને કોઇ અસંતોષ ઉભોના થાય અને સૌ કોઇ પાર્ટી માટે સહિયારા પ્રયત્નોથી મચી પડે અને એટલે જ સમયસર બોર્ડ નિગમ નિમણૂંકની જાહેરાત કરી દેવાતી હોય છે.પરંતુ, આ વખતે વિધાનસભા ચૂંટણી બાદ બોર્ડ નિગમ નિમણૂંકનું મન સરકારે બનાવ્યું છે. જો અત્યારથી બોર્ડ નિગમ વહેંચી દેવામાં આવે તો. જેમને ટિકિટ અથવા બોર્ડ નિગમ બેમાંથી કાંઇ ના મળ્યું હોય એવા ઉમેદવારોને મનદુખ થાય અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમા તેઓ નિષ્ક્રિય થઇ જાય.આવુ ના બને માટે પાર્ટી સૌ કોઇ સામે બોર્ડ નિગમ નિમણૂંકનું ગાજર લટકતું રહેવા દેવાનો નિર્ણય લીધો છે.જેથી સૌ કોઇ વિધાનસભા ચૂંટણીમાં પોતાનુ પરફોર્મન્સ બતાવા માટે દોડે.
ગુજરાતના આઇપીએસ અધિકારીઓ સ્લિીપીંગ મોડમા
ગુજરાતમા નવી સરકાર સપ્ટેમ્બર ૨૦૨૧મા આવ્યા બાદ રાજ્યના યુવાન ઉત્સાહી ગૃહમંત્રી હર્ષ સંધવીએ વિધાનસભા સત્ર પુરુ થયા બાદ પહેલી એપ્રિલ ૨૦૨૨ના રોજ SP રેન્કના પોલીસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા હતા.સિનિયર રેન્કના અધિકારીઓની બદલીના નિર્ણયો આ સરકાર લઇ શકી નથી.સુરત રેન્જ એડીશનલ ડીજી રાજકુમાર પાન્ડીયનને એડિશનલ ડીજીમાં બઢતી મળવા છતા સરકાર તેમની બદલી કરી શકી નથી.રાજકોટના રેન્જ આઇજી સંદીપ સિંગ ૪ વર્ષથી એકજ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. વડોદરા રેન્જ આઇજીની જગ્યા ૧૪ મહિનાથી ચાર્જમાં ચાલી રહી છે.
વડોદરા રેન્જનો વધારાનો હવાલો ગોધરા રેન્જના જુનિયર આઇપીએસ ડીઆઇજી રેન્કના આર.એસ. ભગોરાને સોંપવામા આવ્યો છે.જૂનાગઢ રેન્જ ડીઆઇજીની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર બદલી થયા બાદ છેલ્લા બે મહિનાથી આ જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે.ગુજરાતની નવી ભૂપેનદ્ર પટેલની સરકાર સિનિયર આઇપીએસ અધિકારીઓની છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી બદલીઓ નહી કરી શકવાને કારણે સિનિયર આઇપીએસ અધિકારીઓમાં હાલ નારાજગી વર્તાઇ રહી છે.