અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર : શુક્રવારના રોજ વડાપ્રધાન મોદીના એરપોર્ટથી કમલમ સુધીના રોડ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને લાખો લોકોની જનમેદની ઉમટી પડી હતી.ત્યારે સતત બીજા દિવસે પણ વડાપ્રધાનનો રોડ શો યોજાયો છે.આ ઉપરાંત વડાપ્રધાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે અને અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ,નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે.આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે.તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે.તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે. તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે.તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે,વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે.ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.
જોકે આ સમય દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો,ફરજમાં રોકાયેલા સરકારી વાહનો,ફાયર બ્રિગેડ,એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથ અવર-જવર કરનારાઓને આ જાહેરનામું નહીં લાગુ પડે.