મુંબઈ : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક કૌભાંડની તપાસ કરી રહેલી ઇન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ હવે આ કેસમાં શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતનાં પત્ની વર્ષા સંજય રાઉતને સમન્સ મોકલાવી ૨૯ ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા વખત પહેલાં સંજય રાઉતની નજીકના મનાતા પ્રવીણ રાઉતની આ કેસમાં ધરપકડ થઈ હતી.એમની પૂછપરછ અને તપાસ અંતર્ગત તેમના અકાઉન્ટમાંથી કેટલાંક ટ્રાન્ઝેક્શન વર્ષા રાઉતના અકાઉન્ટમાં થયાં છે,એથી ઈડીએ એ સંદર્ભે વધુ માહિતી મેળવવા વર્ષા રાઉતને સમન્સ મોકલાવ્યું છે.
સંજય રાઉતે રાજ્યસભાની ચૂંટણી વખતે આપેલા એફિડેવિટમાં પણ જણાવ્યું હતું કે પ્રવીણ રાઉતના અકાઉન્ટ અને વર્ષા રાઉતના અકાઉન્ટમાં થયેલાં નાણાંની જે ટ્રાન્ઝેક્શન્સ છે એ લોન સંબંધી છે.ઈડી જાણવા માગે છે કે આ ટ્રાન્ઝેકશન્સ કઈ રીતે અને શા માટે કરાયાં.આથી ઈડીએ વર્ષા રાઉતને નોટિસ મોકલાવી છે.
૨૦૧૯માં આરબીઆઇને પીએમસી બૅન્કના આ કૌભાંડની જાણ થઈ હતી.બૅન્ક ૬૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવા જઈ રહી હતી,પણ આરબીઆઇએ તેના પર રોક લગાવી દીધી હતી.ત્યાર બાદ આરબીઆઈએ તેમાં તપાસ કરી છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.સંજય રાઉતે આ નોટિસ બાબતે કહ્યું હતું કે મને હજી સુધી આ વિશે જાણ નથી. જાણ થશે એટલે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી માહિતી આપીશ.

