– ગેરરીતિ ન થાય તે માટે આરોગ્ય વિભાગના પ્રયાસો
– આંગળીની છાપ ન આવતાં કેન્સર-કિડનીના દર્દીઓની આઇરીસના માધ્યમથી નોંધણી કરાશે
અમદાવાદ : હવે મા, મા વાત્સલ્ય અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને PMJY-MA નવુ નામ અપાયુ છે.હવે આ આરોગ્ય યોજનામાં ગેરરીતી ન થાય તે માટે આરોગ્ય વિભાગે સઘન પ્રયાસો કર્યા છે જેના ભાગરૂપે હવે લાભાર્થીઓએ આધારકાર્ડ નોંધણી કરાવવી ફરજિયાત કરાઇ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગરીબ દર્દીઓને પાંચ લાખ સુધીની તબીબી સારવારનો લાભ મળી રહ્યો છે. આ આરોગ્ય યોજનાને વ્યાપકપણે પ્રતિસાદ સાંપડયો છે.અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને આ કાર્ડ અપાયા છે.
આરોગ્ય વિભાગે એવો નિર્ણય કર્યો છેકે, લાભાર્થી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય તો પ્રથમ વાર આધારકાર્ડ નહી હોય તો લાભ અપાશે પણ બીજી વખત આધારકાર્ડની નોંધણી કરાવવી ફરજિયાત છે.ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં લાભાર્થીઓએ સારવાર દરમિયાન જ 46,901 કાર્ડ હોસ્પિટલમાંથી અપાયા છે. કેન્સરના દર્દીઓની કોમીથેરેપીની સારવાર થતી હોવાથી કેટલાંય દર્દીઓના આંગળાની છાપ મશીનમાં દેખાતી નથી.આ સંજોગોમાં આરોગ્ય વિભાગે આવા દર્દીઓની આંખની કીકીથી આધારકાર્ડની નોંધણી કરવામાં આવશે. આ યોજનામાં મૂળ લાભાર્થીને બદલે અન્ય લાભાર્થી તબીબી સારવારનો લાભ મેળવે છે તેવી ગેરરીતીની ફરિયાદ મળતાં આધારકાર્ડ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.


