– PSI અમિતાના પિતાએ દોહિત્રના કબજા માટે કોર્ટમાં અરજી કરી હતી
– વૈભવના રિમાન્ડ પુરા,પુત્ર સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
અમિતા આપઘાત કેસમાં આરોપી પતિ અને કોન્સ્ટેબલ એવા વૈભવ વ્યાસના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં હાજર કરાયો હતો.જ્યાં પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા જેલ કસ્ટડીનો ઓર્ડર કરાયો હતો.જોકે,સાડા 4 વર્ષનું બાળક કોની સાથે રહેશે તે સવાલ ઊભો થયો હતો.એડવોકેટ વિરલ મહેતા હસ્તક બાળકના નાનાએ અરજી કરીને પોતાની સાથે રાખવા આગ્રહ કર્યો હતો.જો તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે તો તેના કુમળા માનસ પર અસર પહોંચશે.આથી કોર્ટે બાળકને ત્રણવાર પુછ્યું હતું કે,કોની સાથે જવું છે નાના સાથે કે પિતા સાથે,બાળકે રડતાં-રડતાં કહ્યું હતું કે,તેણે પિતા સાથે જ જવુ છે.અંતે કોર્ટે પણ બાળકને પિતાની સાથે જ જેલ પર મોકલવાનો હુકમ કર્યો હતો.બાળકની દાદી,ફોઇ પણ હાલ જેલમાં જ છે.
બાળકને લઈ કોર્ટમાં ભાવુક દૃશ્યો સર્જાયા
આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પુત્ર પણ હતો.તેણે પિતાનો પીછો છોડ્યો જ નહતો.પોલીસ સ્ટેશનથી તે પિતાની સાથે જ હતો.કોર્ટેમાં જ્યારે તેને કબજો કોને સોંપવો એનો સવાલ આવ્યો ત્યારથી બાળક સતત રડતુ જ રહ્યું હતું અને બાળકને રહેવા અંગે પુછાયું ત્યારે પિતાનું નામ લીધું હતું.બાદમાં કોર્ટ રૂમની બહાર જઈ ફરી લવાયો અને તેને ચોકલેટ જોઇએ છે એમ પુછાયું હતું તો બાળકે મારી પાસે બિસ્કીટ છે એમ કહ્યું હતું.બાદ બે વાર પિતાનું જ નામ લીધું હતું.


