અમદાવાદ તા. 4 : સ્માર્ટ ફોનમાં આમ તો અનેક મલ્ટી પ્લેયર ગેમ ઉપલબ્ધ હોય છે.પરંતુ દેશમાં સૌથી વધુ લોકપ્રિય ગેમ હોય તો તે છે – પબજી જો કે બે દિવસ પહેલા ભારત સરકારે તેના પર પ્રતિબંધ મુકી દેતા તેના ચાહકો આઘાતમાં સરકી પડયા છે.તેમાં પણ અમદાવાદના અમુક ચાહકોએ પોતાની આ લોકપ્રિય ગેમ પર પ્રતિબંધ મૂકાતા પોતાનું દુ:ખ વ્યકત કરવા અને શ્રધ્ધાંજલી પાઠવવા માટે બેસણાનું આયોજન કર્યું છે. મોટા ભાગના પબજી ગેમર્સ જાણે પોતાની જિંદગીની સૌથી દુ:ખદ ઘટના ઘટી હોય તેવા દુ:ખી જોવા મળી રહયા છે.અમદાવાદના ચાંદલોડીયામાં અમુક પબજી લવર્સ દ્વારા પબજી ગેમને શ્રધ્ધાંજલી પાઠવવા માટે બેસણાનું આયોજન કર્યુ છે.
અમે 15-20 મિત્રોનું ગ્રુપ છીએ.અમે છેલ્લા 7 મહિનાથી સાથે પબજી રમતા હતા.અમને આ પ્રતિબંધના સમાચારથી મોટો આઘાત લાગ્યો હતો.હજુ પણ વિશ્વાસ નથી થતો.તેમ છતા અમે આ વાતને પચાવવાનો પ્રયાસ કરી રહયા છીએ.તેવુ રોશન પટેલ કે જેમના ઘરે બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતુ.
આ બેસણામાં શ્રધ્ધાંજલી પાઠવવા માટે તમામ મિત્રો સફેદ વસ્ત્રો ધારણ કરી પોતાનું દુ:ખ વ્યકત કરશે.આ બેસણામાં રૂમમાં પ્રોજેકટર ગોઠવી પબજી ગેમનો વિડીયો ચલાવવામાં આવશે. હાર ચઢાવેલો પબજી ગેમનો ફોટો પણ મુકવામાં આવશે.
અન્ય એક પબજી લવર વિરાંગ પટેલે વાત કરતા જણાવ્યુ હતું કે હું કોરોનાની મહામારી પહેલા દરરોજ 3 કલાક પબજી રમતો હતો. લોકડાઉન લાગુ પડયા પછી આ સમયમાં બે ગણો વધારો થયો હતો.મિત્રો સાથે રમવાની શરૂઆત કર્યા બાદ મને એશિયાના ટોપના 20 પ્લેયરમાં સ્થાન મળ્યુ હતુ.
આમ તો અનેક મલ્ટિ પ્લેયર ગેમ છે પરંતુ પબજી જેવી ગેમ એક પણ નથી. પબજીમાં હંમેશા કંઇક નવુ જોવા મળે છે.આ ગેમ વાસ્તવિકમાં કોરીયન છે પરંતુ મોબાઇલ વર્ઝનનો સોફટવેર ચીનનો છે.તેથી ઇન ઓલ પરચેસ ના પૈસા ચીનમાં જ જશે.
તેમાં પ્રાઇવસી અને ડેટાને લઇને ઘણી સમસ્યા હતી.મારા માટે મારો દેશ પ્રથમ છે.તેથી પબજી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ તમામ રીતે યોગ્ય છે.મારો પરીવાર પણ આ પ્રતિબંધથી ખુશ છે.


