અમૃતસર, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : પંજાબની સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માન એક બાદ એક એમ અનેક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોના પેન્શનની ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.હવેથી ધારાસભ્યોને એક વખતના કાર્યકાળનું જ પેન્શન મળશે.અત્યાર સુધી કોઈ નેતા જેટલી વખત ધારાસભ્ય બને એ પ્રમાણે પેન્શનની રાશિ જોડાતી જતી હતી.
ભગવંત માને કહ્યું કે,બેરોજગારી મોટો મુદ્દો છે.યુવાનો ડિગ્રીઓ લઈને ઘરે બેઠાં છે.જેમણે નોકરી માગી તેમને લાઠીચાર્જ મળ્યો.તેમના પર પાણી ફેંકવામાં આવ્યું.તેમને નોકરીઓ ન મળી.તેવામાં અમે બેરોજગારીની સમસ્યાને ખતમ કરવા માટે મોટા પગલાંઓ ભરી રહ્યા છીએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે,અનેક ધારાસભ્યો 3 વખત જીત્યા, 4 વખત જીત્યા, 6 વખત જીત્યા અને તેમને દર મહિને લાખો રૂપિયાનું પેન્શન મળે છે.કોઈને 5 લાખ,કોઈને 4 લાખ રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે. કેટલાક લોકો એવા પણ છે જે પહેલા સાંસદ રહ્યા અને પછી ધારાસભ્ય બન્યા.તેઓ બંનેનું પેન્શન લઈ રહ્યા છે.તેવામાં પંજાબ સરકાર મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે.કોઈ ગમે તેટલી વખત જીતે પરંતુ હવેથી ફક્ત એક જ વખતનું પેન્શન મળશે. જે કરોડો રૂપિયા બચશે તે લોકોની ભલાઈના કામમાં ખર્ચ કરવામાં આવશે.આ જ રીતે ધારાસભ્યોની ફેમિલીના પેન્શનમાં પણ કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.