નવી દિલ્હી: પૂર્વ નાણાકીય સચિવ એસ સી ગર્ગે બુધવારે કહ્યું કે,ભારતીય રિઝર્વ બેન્કે પોતાના સરપ્લસ એટલે કે આવક ફક્ત 44 ટકા રાશિની કેન્દ્રને હસ્તાંતરિત કરી છે.ટકાવારીના હિસાબે આ ગત 6 વર્ષોમાં સૌથી ઓછી છે.આરબીઆઈ બોર્ડે એકાઉન્ટિંગ વર્ષ 2019-20 (જુલાઈ-જૂન) માટે કેન્દ્ર સરકારને 57,128 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવાની મંજૂરી આ મહિને આપી છે.જ્યારે આરબીઆઈ અને નાણા મંત્રાલય વચ્ચે વધારાના ભંડોળના ટ્રાન્સફર અને આર્થિક મૂડી ફ્રેમ વર્ક (ઈસીએફ) અંગે વિવાદ હતો ગર્ગ તે સમયે નાણા સચિવ હતા.
19 નવેમ્બર 2018ના રોજ યોજાયેલી આરબીઆઈ બોર્ડની બેઠકમાં કેન્દ્રીય બેંક માટે કેટલી મૂડી અનામત હોવી જોઈએ અને સરકારને કેટલું ડિવિડન્ડ ચૂકવવું જોઈએ તે ધ્યાનમાં લેવા સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.કેન્દ્રીય બેંકે 26 ડિસેમ્બર 2018ના રોજ આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જલાનની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિએ ઓગસ્ટ 2019માં તેનો અહેવાલ આપ્યો હતો.
ગર્ગે ટ્વિટર પર લખ્યું કે,આરબીઆઈએ 2019-20માં 1497 અબજ રૂપિયાની બચત કરી હતી. તેમણે સરકાર પાસે 571 અબજ રૂપિયા (ફક્ત 44 ટકા) ટ્રાન્સફર કરતી વખતે પોતાની પાસે 736 અબજ રૂપિયા રાખ્યા હતા. છેલ્લા સાત વર્ષમાં આ સૌથી ઓછું ટ્રાન્સફર છે અને આરબીઆઈએ મહત્તમ રકમ જાળવી રાખી છે. બિમલ જલાન સમિતિની સરકારને ખરી ભેટ!
બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, કુલ આવક રૂ. 1497 અબજ. 1307 અબજ રૂપિયાની બચત. બચતની વહેંચણી. તેમની પાસે 736 અબજ રૂપિયા રાખવામાં આવ્યા છે, 571 અબજ રૂપિયા સરકારને આપવામાં આવ્યા છે.
અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 78,281 કરોડની તુલનામાં વર્ષ 2018-19માં આરબીઆઈની આવક રૂ. 1,93,036 કરોડ હતી.ઓગસ્ટ 2019માં આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડે સરકારને 1,76,051 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.જેમાં સુધારેલ આર્થિક મૂડી નિયમ હેઠળ વધારાની રકમ તરીકે સરકારને 2018-19 માટે રૂ. 1,23,414 કરોડ અને 52,637 કરોડ રૂપિયાના વધારાની રકમ સરકારને આપવામાં આવી હતી.વધારાની રકમનું ટ્રાન્સફર જાલાન સમિતિની ભલામણો અનુસાર કરવામાં આવ્યું હતું.


