મુંબઈ, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર
છેલ્લા કેટલાક સમયથી દેશની કો-ઓપરેટિવ બેંક્સ પર કેન્દ્રીય રિઝર્વ બેંકની સખ્તાઈ વધી રહી છે. આ કારણે જ આરબીઆઈએ આશરે આઠ મહીનામાં છથી વધારે ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મુક્યો છે અથવા તો પ્રતિબંધનો સમય વધારી દીધો છે. તે અંતર્ગત મુંબઈની સહકારી બેંક ‘ધી નીડ્સ ઓફ લાઈફ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’ પર લાગુ પ્રતિબંધનો સમય પણ વધારી દેવાયો છે. હવે આ બેંક પર આગામી 31મી ઓક્ટોબર સુધી પ્રતિબંધ લાગુ રહેશે.
રિઝર્વ બેંકે 2018ના વર્ષના ઓક્ટોબર મહીનામાં આ બેંક ઉપર છ મહીનાનો પ્રતિબંધ મુક્યો હતો. તે અંતર્ગત બેંકને કોઈ નવી લોન આપવાની કે જૂની લોન રિન્યુ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ત્યાર બાદ આ બેંક પરના પ્રતિબંધને બે વખત લંબાવવામાં આવ્યો છે. બેંકને તેની નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સાથે પ્રતિબંધો અંતર્ગત બેન્કિંગ કારોબાર કરવાની મંજૂરી અપાઈ છે.
રિઝર્વ બેંકે આ બેંકમાંથી ઉપાડ પ્રતિબંધિત કર્યો છે મતલબ કે, બેંક સાથે સંકળાયેલા લોકો હજુ પણ છ મહીના સુધી પૈસા નહીં કાઢી શકે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મડગાંવ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર લાગુ પ્રતિબંધોને પણ ત્રણ મહીના માટે વધારીને ઓગષ્ટ સુધીના કરી દીધા છે. તે બેંક પર લાગુ પ્રતિબંધો બીજી મે, 2020ના રોજ સમાપ્ત થઈ રહ્યા હતા.