વૈશ્વિક મંદીની સંભાવના વધી ગઈ છે, જે 2008-09થી વધારે ખરાબ હશેઃ દાસ
એજન્સી > નવી દિલ્હી
લોકડાઉનની જાહેરાત થઈ ત્યારબાદ તરત મળેલી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી (એમપીસી)ની બેઠકમાં કહેવાયું હતું કે દેશના આર્થિક વૃદ્ધિદર માટે અને કોરોના વાયરસની વિપરીત અસર ખાળવા માટે જે કોઈપણ પગલાં જરૂરી હશે તે પગલાં લેવાશે.એમપીસીની એ મીટિંગની મિનિટ્સ સોમવારે જાહેર થઈ હતી,જેમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તેમાંથી બહાર આવવા માટે સરકારે ~1.70 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું જ છે, જેમાં ગરીબોને રોકડ રકમ સીધી તેમના ખાતામાં જમા કરાઈ છે,ખાદ્ય સામગ્રી આપવામાં આવી છે.
દાસે કહ્યું હતું કે વૈશ્વિક મેક્રોઈકોનોમિક સ્થિતિ ખાસ્સી ખરાબ થઈ ગઈ છે. તમામ દેશોમાં વિવિધ પગલાં લેવાયા છે.વૈશ્વિક મંદીની સંભાવના વધી ગઈ છે અને આ મંદી 2008-09ની મંદી કરતાં વધારે ખરાબ હોઈ શકે છે.દાસે કહ્યું કે ભારતમાં પણ નજીકના ગાળામાં આર્થકિ વૃદ્ધિનું ચિત્ર ખાસ્સું ખરાબ થઈ ગયું છે.શરૂઆતમાં વૈશ્વિક નરમાઈની અસર હતી,પછી કોરોના વાયરસ ત્રાટક્યો અને ત્યારબાદ તેને પગલે સરકારે લોકડાઉન જાહેર કર્યું.આ કારણોસર આર્થિક ચિત્ર વધારે નબળું પડ્યું છે.
ફુગાવા અંગે દાસે કહ્યું હતું કે તેમાં પણ સ્થિતિ ખાસ્સી બદલાઈ ગઈ છે.સામાન્ય રીતે ઊનાળાના સમયગાળામાં માંગ રહેતી હોવાથી ફુગાવો વધતો હોય છે,પરંતુ આ વખતે સ્થિતિ જુદી હોવાથી માંગ નબળી રહેશે અને માંગ રાબેતા મુજબની થતા સમય લાગશે.આવા સંજોગોમાં ફુગાવો નીચો રહેશે. તેમણે કહ્યું કે કોરોના વધુ ફેલાય તે પહેલાં તેને અટકાવવો જરૂરી છે.
આવા સંજોગોમાં ફાઈનાન્સ મહત્ત્વનું છે.વિવિધ સેક્ટરને જરૂરી ફંડિંગ મળતું રહે તે જરૂરી છે.તેમણે આ સાથે કહ્યું હતું કે દેશનું મેક્રોઈકોનોમિક ફન્ડામેન્ટલ મજબૂત છે.