ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ (RIL)ના પ્રમોટર્સ ઓછામાં ઓછા ~૨૬,૦૦૦ કરોડના રાઇટ્સ ઇશ્યૂ માટે પ્રતિબદ્ધ છે. પ્રમોટર્સની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે,તેઓ કંપનીને નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ના અંત સુધીમાં ઋણમુક્ત કરી નાખશે અને તેમના આ નિર્ણયને દલાલ સ્ટ્રીટ વધાવી લે તેવી શક્યતા છે. RILના રાઇટ્સ ઇશ્યૂથી ઇક્વિટીમાં ૬.૬ ટકાનો ઘટાડો થશે. RILએ તાજેતરમાં ટેલિકોમ બિઝનેસ માટે ફેસબૂક સાથે સોદાની જાહેરાત કરી છે તેમજ પેટ્રોલિયમ રિટેલિંગ બિઝનેસ માટે BP સાથે કરેલા સોદાથી જંગી કેશ ફ્લો થવાની અપેક્ષા છે.કંપનીને આ સોદાથી ચાલુ ક્વાર્ટરમાં કુલ ~૧.૦૪ લાખ કરોડ મળશે અને આ રોકડથી નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ સુધીમાં RILની બેલેન્સ શીટ મજબૂત બની જશે. મુકેશ અંબાણીએ ગયા વર્ષે ઓગસ્ટમાં ૨૦૨૧ સુધીમાં કંપની પરનો ઋણબોજ ઘટાડવાના આયોજનની જાહેરાત કરી હતી.આને ધ્યાનમાં રાખીને રિલાયન્સ તેની બેલેન્સ શીટને ડિલિવરેજ કરવાના લક્ષ્યાંકથી વિવિધ કારોબારોમાં વ્યૂહાત્મક ભાગીદારી કરવા માટે પ્રયત્નશીલ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના અંતે RILનું ચોખ્ખું ઋણ ~૧.૬૧ લાખ કરોડ નોંધાયું હતું, જેનો અર્થ એ થયો કે,કંપનીને સંપૂર્ણ ઋણમુક્ત થવા માટે વધુ ~૫૭,૦૦૦ કરોડની જરૂર છે.કંપનીને ડિજિટલ બિઝનેસમાંથી જંગી કેશ ફ્લો આવવાની પ્રબળ શક્યતા છે અને સાઉદી અરામ્કો સોદાની સફળતાને પગલે આગામી થોડાંક ક્વાર્ટરમાં ઋણમુક્ત થવા માટે જરૂરી રકમ ભેગી કરવી કંપની માટે બહુ મુશ્કેલ કામ નથી એમ એનાલિસ્ટ્સ જણાવે છે.આમ,જો RIL નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ના અંત સુધીમાં ઋણમુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરવાની દિશામાં આગળ વધતી રહેશે તો દલાલ સ્ટ્રીટ તેના શેરને નવી ઊંચાઈએ લઈ જશે તે પાક્કું છે. RILના રિટેલિંગ અને ટેલિકોમના કન્ઝ્યુમર બિઝનેસથી વધારે નફો મળતું હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે,એટલે તેના માટે આ સફળ વધારે કઠિન નથી.૨૩ માર્ચે જ્યારે બજારે વિક્રમ તળિયું બનાવ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં RILના શેરમાં બ્રોડર માર્કેટ કરતાં ૧૬ ટકા વધારે રિટર્ન મળ્યું છે.જોકે,ત્યારથી RIL માટે કન્સેન્સસ અર્નિંગ્સ એસ્ટિમેટ ઘટ્યો છે પરંતુ આ સ્થિતિ તો સમગ્ર કોર્પોરેટ જગતમાં પણ જોવા મળે છે.
RILએ પ્રતિ બેરલ ૮.૯ ડોલરના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) નોંધાવ્યા છે.આ માર્જિન એટલે એક બેરલ ક્રૂડના પ્રોસેસિંગથી થતી કમાણી.કંપનીના GRM રિજનલ બેન્ચમાર્ક કરતાં પ્રતિ બેરલ ૭.૭ ડોલર વધારે છે,કારણ કે રિજનલ બેન્ચમાર્ક એટલે કે સિંગાપોર GRM તો પ્રતિ બેરલ ઘટીને ૧.૨ ડોલર નોંધાયા છે,જે છેલ્લાં ૧૫ વર્ષનું સૌથી નીચું લેવલ છે.જોકે, ચાલુ ક્વાર્ટર માટે GRMનો અંદાજ નિરાશાજનક છે.છેલ્લા એક પખવાડિયામાં સિંગાપોર GRM પ્રતિ બેરલ નેગેટિવ ૦.૫૮ ડોલરની સપાટીએ નોંધાયા હતા. RILના પેટ્રોકેમિકલ બિઝેનસની વાત કરીએ તો,ભાવમાં ઘટાડો થવાથી તેને પેટ્રોકેમિકલમાંથી થતી ભાવપ્રાપ્તિ ઘટી હતી.આ સેગમેન્ટના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ૧.૭૯ ટકા ઘટીને ૧૪.૧ ટકાની અનેક ક્વાર્ટરની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. RILના ઓપરેટિંગ પ્રોફિટમાં ગ્રાહક-કેન્દ્રી બિઝનેસનો હિસ્સો માર્ચમાં વધીને ૩૮.૬ ટકા થયો હતો,જે ત્રિમાસિક ધોરણે ૨.૧૯ ટકા વધારો દર્શાવે છે.


