હૈદરાબાદ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : એસએસ રાજામૌલીની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ RRR કોવિડ-19 સંક્રમણના કારણે વિલંબ થયા બાદ આખરે આજે એટલે કે શુક્રવારે, 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. RRRમાં રામ ચરણ અને જુનિયર NTR સાથે આલિયા ભટ્ટ,અજય દેવગન,શ્રિયા સરન,એલિસન ડૂડી,સમુતિરકાની,એડવર્ડ અને રે સ્ટીવનસન પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ આલિયા ભટ્ટ અને અજય દેવગનની સાઉથ ડેબ્યુ ફિલ્મ છે.ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતા નામની મહિલાનો રોલ કરી રહી છે.
ફિલ્મની શરૂઆતની પ્રતિક્રિયાઓ મોટે ભાગે હકારાત્મક રહી છે.ચાહકોએ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર NTRનું ‘કારકિર્દીનું શ્રેષ્ઠ’ પ્રદર્શન ગણાવ્યું છે.કલાકારોના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે અથવા તો તેઓ ફિલ્મ વિશેનો તેમનો રિવ્યુ શેર કરી રહ્યા છે.
રામ ચરણ ફિલ્મના પ્રમોશન માટે મલ્ટિ-સિટી ટૂર પર હતા.તેમણે હૈદરાબાદના શ્રી ભ્રામારામ્બા થિયેટરમાં તેમની ફિલ્મનો વહેલી સવારનો શો જોયો હતો.સિનેમા હોલની બહાર એકઠા થયેલી લોકોની ભીડ વચ્ચે અભિનેતા કાળા શર્ટ અને ડેનિમમાં ખૂબ જ સુંદર દેખાતો હતો.
અગાઉ અભિનેતા વરૂણ તેજ કોનિડેલાએ ટ્વિટર પર પોતાના ચાહકોને પોતે RRR જોયું તે અંગેની જાણ કરી હતી.તેમણે પોતાની સમીક્ષામાં RRRને ‘એક માસ્ટર પીસ’ ગણાવી હતી.