રાજ્ય સરકારે કરેલી જાહેરાત અંતર્ગત જોઈએ તો,હવે ખેતીની જમીન ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદી શકશે.બિનખેડૂત વ્યકિત કૃષિ,પશુપાલન,મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે.અત્યાર સધી ગુજરાતના મહેસૂલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો.આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે.રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં GDCRની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે.
આવી જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર,જોઇન્ટ વેન્ચર,એમાલગ્મેશન કે પોતાની જ પેટા કંપની,ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિ આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમીયમ ભરીને તબદીલ થઇ શકશે.ડેટ રીકવરી-દેવા વસુલી,NCLT, લીકવીડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસ માં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમીયમ ભરવાનું રહેશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયથી ઔદ્યોગિક સાહસિકોને મહેસૂલી પ્રશ્નોમાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે.ઉદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે. એટલું જ નહિ – કૃષિ,પશુપાલન,શિક્ષણ સહિત મેડીકલ,ઇજનેરી શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં પણ વિકાસની ક્ષિતીજો ખૂલતાં મુખ્યમંત્રીશ્રીની ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની નેમ પાર પડશે.


