અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી : ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કપરાકાળના ત્રીજા તબક્કામાંથી હજી બહાર આવી જ રહી હતી ત્યાં હવે નાટોની જીદ ન છોડત્યા રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ છે.
ઈક્વિટી બજાર ધરાશાયી થયું છે ક્રૂડ ભડકે બળી રહ્યું છે અને સોના-ચાંદીમાં રોકાણ ખેંચાઈ રહ્યું છે.મોંઘવારીની ચિંતા સામે ઝઝૂમી રહેલ ગ્લોબલ ઈકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે.
આ યુદ્ધથી ભારતને કયાં ક્ષેત્રે અને કેટલું નુકશાન થશે તે અંગે અનેક રિપોર્ટ બહાર આવી રહ્યાં છે.જોકે એક દિગ્ગજ રિસર્ચ એજન્સીના રિપોર્ટે નવી દિલ્હી અને મુંબઈ સહિત સમગ્ર દેશમાં ખલબલી મચાવી છે.
નોમુરાએ એક નિવેદનમાં કહ્યું છે કે રશિયા-યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને જ પહોંચાડશે.જાપાનની ફાઈનાન્સિયલ કંપની નોમુરાએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે યુક્રેન કટોકટીથી ફુગાવાનું દબાણ વધશે અને એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્યપદાર્થો અને તેલની કિંમતોમાં વધારાને કારણે એશિયાઈ દેશો પર પ્રતિકૂળ અસર થશે.આ દેશોની નાણાકીય સ્થિતિ મજબૂત નથી.ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક વધારીને જીડીપીના 6.9 ટકા કર્યો છે.આગામી નાણાકીય વર્ષ માટે આ અનુમાન 6.4 ટકા રાખવામાં આવ્યો છે.
નોમુરાએ કહ્યું કે તેની સૌથી ખરાબ અસર એશિયામાં ભારત,થાઈલેન્ડ અને ફિલિપાઈન્સની અર્થવ્યવસ્થા પર પડશે.ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે.આવી સ્થિતિમાં ભાવ વધારાથી વેપાર ખાધમાં વધારો થશે.નોમુરાનો અંદાજ છે કે ક્રૂડ ઓઈલમાં 10%નો ઉછાળો જીડીપી વૃદ્ધિમાં 0.20 પોઈન્ટ ઘટાડો કરશે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2022-23માં સરેરાશ ફુગાવો 4.5 ટકા રહેશે.
RBI જૂનથી રેપો રેટ વધારી શકે છે
નોમુરાનું કહેવું છે કે રિઝર્વ બેંક જૂનથી રેપો રેટ વધારી શકે છે.તેનો અંદાજ છે કે રિઝર્વ બેંક આ વર્ષે રેપો રેટમાં 1 ટકાનો વધારો કરી શકે છે.
મોંઘા ક્રૂડ ઓઈલની શું અસર થાય છે?
ક્વોન્ટ ઈકો રિસર્ચના રિપોર્ટ અનુસાર,જો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 10 ડોલર વધે છે,તો ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં 10 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થશે.ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દર 9.2 ટકા રહેવાનો અંદાજ છે.બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનિવાસ કહે છે કે જો ક્રૂડ ઓઈલમાં કાયમ માટે 10 ટકાનો ઉછાળો આવે તો જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે WPI 1.2 ટકા અને છૂટક ફુગાવો એટલે કે CPI 0.30-0.40 ટકા વધશે.
ચૂંટણી બાદ માર્ચમાં પેટ્રોલ 10 રૂપિયા મોંઘુ થઈ શકે છે
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર અને એલપીજીના એલપીજી દરમાં માસિક ફેરફાર અટકાવી દેવામાં આવ્યા હતા.છેલ્લા ત્રણ મહિનાથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવે કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવતમાં તીવ્ર વધારો કર્યો છે.ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે,તફાવત,જે પ્રતિ લિટર રૂ. 10 કરતાં વધુ છે,તે આગામી મહિને ચૂંટણીઓ પૂરી થયા પછી વધી શકે છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે
નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર,સરકારે ઝડપથી સામે આવી રહેલી સ્થિતિની આર્થિક અસરનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે.અધિકારીએ કહ્યું કે વિવિધ મંત્રાલયો પાસેથી આંતરિક માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.રશિયા પર યુએસ અને યુરોપિયન દેશોના પ્રતિબંધોની વિદેશી વેપાર પર શું અસર થશે,તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.સરકાર ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા પર પણ નજર રાખી રહી છે.ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે.ભારતે તેની 85 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવી પડે છે.
રશિયા-ભારત-યુક્રેનનો વેપાર કેટલો છે ? યુદ્ધને કારણે કયા દેશને કેટલો ફટકો પડશે ? વાંચો અહેવાલ


