અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલી ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યા બાદ રશિયાએ યુદ્ધની જાહેરાત કરીને એકબાદ એક હવાઈ હુમલા કરતા બોન્ડ-શેરબજારની સાથે ક્રૂડ અને સોના-ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી.
બ્રેન્ટ ક્રૂડમાં 7 વર્ષ બાદ 104 ડોલરનું લેવલ ફરી જોવા મળ્યું હતુ પરંતુ મોડી રાત્રે આ સ્પ્રિંગ ઉછાળો પરત ફર્યો હતો અને બ્રેન્ટ 96 ડોલરની નીચે બંધ આવ્યું હતુ.શુક્રવારના સત્રમાં ક્રૂડમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ 1.90%ના ઉછાળે 97.22 ડોલર પ્રતિ બેરલના લેવલે અને નાયમેક્સ ક્રૂડ 1.58%ના ઉછાળે 94.27 ડોલરના સ્તરે કામકાજ કરી રહ્યાં છે.
સામે પક્ષે સેફ હેવન ગણાતા સોનામાં ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ ત્યાં પણ દિવસના અંતે તેજી ઓસરી હતી અને ગ્લોબલ માર્કેટમાં સોનું 1925 ડોલરની આસપાસ બંધ આવ્યું હતુ. શુક્રવારના સેશનમાં સોનું અડધા ટકાના ઘટાડે 1916 ડોલર અને ચાંદી 1.34%ના કડાકે 24.355 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કામકાજ કરી રહ્યાં છે.
રશિયા તંગદિલીને કારણે અછતની આશંકા હેઠળ નેચરલ ગેસ આજે પણ 1.11%ના જમ્પ સાથે 4.628 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.