કીવ, તા 13 માર્ચ 2022, રવિવાર : પુતિનની સેનાના બોમ્બ વિસ્ફોટ વચ્ચે કીવની એક બેસમેન્ટમાં 19 સરોગેટ બાળકો ફસાય ગયા છે.જોકે,કેરટેકર્સ તેમની સંભાળ લઈ રહ્યા છે પરંતુ તેમના જીવ પર સતત જોખમ મંડરાઈ રહ્યું છે.તેમના બાયોલોજિકલ માતા-પિતા તેમની સંભાળ લેવા માટે પણ આવી નથી શકતા.તેઓ રશિયન સેનાના બોમ્બ વિસ્ફોટો વચ્ચે આવવામાં ગભરાઈ રહ્યા છે.જોકે,યુક્રેનમાં જે પ્રકારની ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોઈ પણ ત્યાં જવાની હિંમત નથી કરી શકતું.
રશિયા યુક્રેન વચ્ચે 18માં દિવસે પણ યુદ્ધ ચાલું જ છે.બંનેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી,જેના કારણે સામાન્ય લોકો અને બાળકોએ તેનું નુકશાન ભોગવવું પડી રહ્યું છે.એક અહેવાલ પ્રમાણે સતત બોમ્બ વિસ્ફોટે કીવ શહેરમાં તબાહી મચાવી દીધી છે.કેટલાંય લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે.આ બધાની વચ્ચે આ કરુણ ઘટના સામે આવી છે.અહેવાલ પ્રમાણે બોમ્બ વિસ્ફોટો વચ્ચે લ્યુડમિલા યાશેન્કો નવજાત શિશુને સંભાળવામાં વ્યસ્ત છે તો બીજી તરફ તે ટીવી દ્વારા યુદ્ધની સ્થિતિની પણ ખબર લઈ રહી છે.
કીવના આ બેસમેન્ટમાં 19 બાળકો છે.તમામને સરોગેટ માતાઓએ જન્મ આપ્યો છે.યુદ્ધની વચ્ચે જિંદગીએ આંખો ખોલી છે અને તેની સાથે નવી મુશ્કેલીઓ પણ આવી છે.અન્ય દેશોના લોકો પણ સરોગસી દ્વારા બાળકો મેળવવા યુક્રેન આવતા હતા પરંતુ યુદ્ધ સંકટના કારણે તેઓ હવે આવી નથી શકતા.આ સરોગેટ બાળકોનું ભાવિ અનિશ્ચિત છે કારણ કે,યુદ્ધને કારણે નક્કી નથી કે,જે માતા-પિતા તેઓના વારસદાર છે તેઓ ક્યારેય તેમને લેવા આવશે કે નહીં.