વોશિંગટોન, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ઓફિસ ક્રેમલિન (Kremlin)નું કહેવું છે કે,વ્લાદિમિર પુતિન વિશેની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીપ્પણી અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે.એક અહેવાલ પ્રમાણે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે બુધવારે જણાવ્યું હતું કે,અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન નેતા પુતિનને યુદ્ધના અપરાધી ગણાવ્યા છે જે અસ્વીકાર્ય અને અક્ષમ્ય નિવેદન છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરતા વોશિંગટોનમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે,પુતિન એક યુદ્ધ અપરાધી છે.તમને જણાવી દઈએ કે,યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા પુતિન વિરુદ્ધ કરવામાં આવેલી આ સૌથી તીખી ટિપ્પણી છે.આ અગાઉ પણ જો બાઈડન યુક્રેન પર હુમલાને લઈને ઘણી વખત રશિયાને ચેતવણી આપી ચૂક્યા છે. 12 માર્ચે બાઈડને ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે,અમે પુતિન પર અમારું આર્થિક દબાણ વધારવા અને વૈશ્વિક મંચ પર રશિયાને અલગ કરવા માટે સક્ષમ છીએ.સાથે એ પણ કહ્યું કે,અમેરિકન પાયલોટ અને અમેરિકન સૈનિકો પ્લેન અને ટેન્કો સાથે રવાના થઈ રહ્યા છે અને તેને મજાકમાં ન લેતા. બાઈડને કહ્યું કે, G-7 દેશો કેનેડા,ફ્રાન્સ,જર્મની,ઈટાલી,જાપાન,બ્રિટન,અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂકવા માટે જરૂરી પગલાં લીધા છે.
આ અગાઉ અમેરિકાના અનેક પ્રતિબંધો બાદ બાઈડન કહી ચૂક્યા છે કે,પુતિનના કારણે રશિયાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે બરબાદ થઈ ગઈ છે અને પુતિન પોતે જ આઈસોલેટ થઈ ચૂક્યા છે.બીજી તરફ અમેરિકા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ રશિયાએ પણ પલટવાર કર્યો છે. 15 માર્ચના રોજ રશિયા તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન,હિલેરી ક્લિન્ટન સહીત અમેરિકી અધિકારીઓ પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા.


