મુંબઈ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : દેશના ટોચના ડાયરેક્ટર્સની યાદીમાં સામેલ,એક ફિલ્મમેકર જેની આજ સુધી કોઈ પણ ફિલ્મ ફ્લોપ નથી ગઈ.જે દિવસથી તેમણે ડાયરેક્શનની દુનિયામાં પગ મૂક્યો ત્યાર પછી તેમણે કદી પણ પાછું વળીને નથી જોયું.અહીં વાત થઈ રહી છે સાઉથના પ્રખ્યાત ડાયરેક્ટર એસએસ રાજામૌલી (S S Rajamouli)ની જેમની ફિલ્મો રેકોર્ડતોડ કમાણી કરવા માટે બીજા રીજનલ સિનેમાને આરીસો દેખાડવાનું કામ કરી રહી છે.રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મ પણ સુપર ડુપર હિટ જશે તેવી અટકળો સેવાઈ રહી છે.
જો તમે RRR જોવા જઈ રહ્યા છો તો એ પહેલા તમારે જાણી લેવું જોઈએ કે,શા માટે રાજામૌલી બોક્સ ઓફિસના બાહુબલી છે? આ રિપોર્ટમાં જાણીએ રાજામૌલીની એવી 5 ફિલ્મો વિશે જેણે ડાયરેક્ટરની કારકિર્દીને ટોચ પર પહોંચાડી છે.આ ફિલ્મોએ માત્ર સાઉથ બેલ્ટમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં પણ કમાણીના અનેક શિખરો સર કર્યા છે.જાણો રાજામૌલીની 5 બ્લોકબસ્ટર ફિલ્મો વિશે જે ફિલ્મોએ તેમને ‘ધ રાજામૌલી’ બનાવ્યા છે.
1. બાહુબલી ફ્રેન્ચાઈઝી
એસએસ રાજામૌલીની એ ફિલ્મ જેણે દેશ-વિદેશમાં ધૂમ મચાવી,રેકોર્ડબ્રેક કમાણી કરીને ભારતીય સિનેમાને ગર્વની અનુભૂતિ કરાવી.આ બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની સૌથી પહેલા વાત કરીએ.બાહુબલી ધ બિગિનિંગ અને બાહુબલી- ધ કનક્લૂઝને બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો.પ્રભાસ,રાણા દગ્ગુબાતી,અનુષ્કા શેટ્ટીની આ ફિલ્મે વિશ્વભરમાં 1800 કરોડનો બિઝનેસ કર્યો હતો.બાહુબલી ફ્રેન્ચાઈઝીએ કુલ 5 નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા હતા.
2. Eega (મક્ખી)
શું તમે કલ્પના કરી શકો છો કે એક માખી ગુંડાઓના નાકમાં દમ લાવી દે અને તેમના છક્કા છોડાવી દે.નહીં ને.આ વિચાર રાજામૌલીને આવ્યો હતો. 2012માં આવેલી ફેન્ટસી ફિલ્મ મક્ખીએ જબરદસ્ત કમાણી કરી હતી.નાની,સુદીપ અને સામંથાની આ ફિલ્મને તેના અનોખા પ્લોટ માટે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.આ ફિલ્મે આશરે 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને 2 નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે,કેવી રીતે હીરો એક માખી તરીકે પુનર્જન્મ લે છે અને પોતાના લેડીલવને દુશ્મનોથી બચાવે છે.
3. મગધીરા
પિરિયડ એક્શન ડ્રામા ફિલ્મ મગધીરા તો તમે જોઈ જ હશે. રામચરણ અને કાજલ અગ્રવાલની આ ફિલ્મ પુનર્જન્મની વાર્તા પર આધારિત હતી.આ ફિલ્મને 2 નેશનલ એવોર્ડ મળ્યા હતા.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 150 કરોડની કમાણી કરી હતી.પહેલા તેની હિંદી રિમેક બનવાની હતી જેમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો પરંતુ તે ફિલ્મ ન બની શકી.
4. વિક્રમાર્કુડુ (Vikramarkudu)
શું તમે જાણો છો કે અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ રાઉડી રાઠૌર એ ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ Vikramarkuduની સત્તાવાર હિંદી રિમેક છે. 2006માં રિલીઝ થયેલી આ તેલુગુ હિટ ફિલ્મમાં રવિ તેજા અને અનુષ્કા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા.આ એક્શન થ્રિલરે લગભગ 118 કરોડનું કલેક્શન કર્યું હતું.
5. યમડોંગા(Yamadonga )
2007માં આવેલી આ તેલુગુ એક્શન કોમેડી ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી.ફિલ્મમાં જુનિયર એનટીઆર,મોહન બાબુ,પ્રિયમણિ, મમતા મોહનદાસ લીડ રોલમાં હતા.આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.
જોકે રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મોની યાદી અહીં પૂરી નથી થઈ જતી.રાજામૌલીએ અત્યાર સુધીમાં પોતાની કારકિર્દી દરમિયાન જેટલી પણ ફિલ્મો બનાવી છે તે બધી જ મસ્ટ વોચ છે.


