– SBI કાર્ડ્સ અને SBI લાઈફમાં હિસ્સો વેચ્યો તેને કારણે નફો વધ્યો
– SBIનો Q4 ચોખ્ખો નફો ચાર ગણો ઉછળીને રૂ3581 કરોડ
નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ શુક્રવારે તેના માર્ચના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા,જેમાં તેનો ચોખ્ખો નફો ચાર ગણો ઉછળીને રૂ3580.81 કરોડ થઈ ગયો હતો.તેણે સબસિડરી એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ્સમાં હિસ્સો વેચ્યો અને તેનું લિસ્ટિંગ થયું તેને કારણે નફો આટલો વધ્યો છે. એસબીઆઈની બેડ લોનમાં પણ ઘટાડો થયો હતો.સમગ્ર વર્ષ 2019-20 માટે SBIનો ચોખ્ખો નફો રૂ14,488 કરોડ થયો હતો,જે અત્યાર સુધીમાં સૌથી વધુ વાર્ષિક નફો છે.2018-19માં તેનો ચોખ્ખો નફો રૂ862 કરોડ હતો.
ગયા વર્ષે આ ગાળામાં એસબીઆઈએ રૂ838.4 કરોડનો નફો દર્શાવ્યો હતો.આમ,વાર્ષિક ધોરણે નફો 327 ટકા ઉછળી ગયો હતો.ડિસેમ્બરના ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ5583.36 કરોડ હતો.આમ,અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં નફો ઘટ્યો છે.
એસબીઆઈની સ્ટેન્ડઅલોન આવક વધીને રૂ76,027.51 કરોડ થઈ ગઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં રૂ75,670.5 કરોડ હતી.બેન્કની ગ્રોસ એનપીએ કુલ ધિરાણના 6.15 ટકા થઈ હતી જે ગત વર્ષે આ ગાળામાં 7.53 ટકા હતી. નેટ એનપીએ 2.23 ટકા થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં 3.01 ટકા હતી.
એસબીઆઈએ તેની સબસિડરી એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીઝ તથા એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં હિસ્સો વેચ્યો તેને કારણે મુખ્યત્વે નફો વધ્યો હતો.બીજા ક્વાર્ટરમાં એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સમાં હિસ્સો વેચવાથી રૂ3484.30 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.એસબીઆઈ કાર્ડ્સમાં હિસ્સો માર્ચના ક્વાર્ટરમાં વેચવાથી રૂ2731.34 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.2019-20માં બેન્કની આવક વધીને રૂ2,96,329.43 કરોડ થઈ હતી,જે અગાઉના વર્ષે રૂ2,78,082.99 કરોડ હતી.
SBIએ બેડ લોન અને કન્ટીન્જન્સી માટે માર્ચના ક્વાર્ટરમાં ~13,495.08 કરોડની જોગવાઈ કરી હતી,જે ગત વર્ષે આ ગાળામાં રૂ16,501.89 કરોડની જોગવાઈ કરી હતી.SBIએ યસ બેન્કમાં રૂ6050 કરોડનું રોકાણ કર્યું હતું, જે યસ બેન્કની કુલ ઈક્વિટીના 48.21 ટકા થાય છે.એસચબીઆઈનો શેર શુક્રવારે 7.90 ટકા ઉછળીને રૂ187.80 બંધ રહ્યો હતો.


