મુંબઈ : શેરોના ડિલિસ્ટિંગની પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ આ પ્રકારની દરખાસ્ત પર સ્વતંત્ર ડિરેકટરોએ કારણ આપતી ભલામણ કરવાનું અને પ્રમોટરોએ ઈનિશિયલ પબ્લિક એનાઉસમેન્ટ થકી કંપનીને ડિલિસ્ટ કરવા માટેનો તેમનો ઈરાદો જાહેર કરવો જરૂરી બનાવ્યું છે.
આ ફેરફારોને અમલી બનાવવા સેબીએ ૧૦,જૂનના નોટીફિકેશનથી ડિલિસ્ટિંગ નિયમોમાં ફેરફારો કર્યા છે. ડિલિસ્ટિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સક્ષમ બનાવવા માર્ચમાં સેબીએ ડિલિસ્ટિંગ ધોરણોમાં કેટલાક સુધારાને મંજૂર કર્યા બાદ આ ફેરફારો કરવામાં આવ્યા છે.
નવા નિયમો મુજબ ડિલિસ્ટિંગ પ્રક્રિયાના ભાગરૂપ વિવિધ પ્રવૃતિઓ સમયાવધિમાં પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવી છે.સેબીએ જણાવ્યું છે કે, સ્વતંત્ર ડિરેકટરોએ ડિલિસ્ટિંગ દરખાસ્ત પર કારણ આપતી ભલામણો રજૂ કરવી જરૂરી રહેશે.
પ્રમોટર અથવા હસ્તગત કરનારે ઈનિશિયલ પબ્લિક એનાઉસમેન્ટ દ્વારા કંપનીના ડિલિસ્ટ કરવાનો ઈરાદો જાહેર કરવો જરૂરી રહેશે.અત્યારે પ્રમોટર અથવા હસ્તગત કરનારની કંપનીના સ્વૈચ્છિક ડિલિસ્ટિંગ માટે કંપનીના બોર્ડ દ્વારા એક્સેચન્જોને જાહેર કરવાની રહે છે,જ્યારે કંપનીના સ્વૈચ્છિક ડિલિસ્ટનો ઉદ્દેશ પબ્લિકને જાહેર કરવાની જવાબદારી પ્રમોટર કે હસ્તગત કરનાર પર નથી. આ ઉપરાંત હવે પ્રમોટર અથવા હસ્તગત કરનાર એકમને ડિલિસ્ટિંગ માટેનો સાંકેતિક ભાવ ઠરાવવાની પરવાનગી રહેશે,અલબત આ ભાવ તળીયા-ફ્લોર ભાવથી ઓછો હોવો જોઈશે નહીં.જેનાથી પ્રમોટરો રોકાણકારોને કેટલો ભાવ ચૂકવવા ઈચ્છે છે એનો અંદાજ મળી શકશે.આ સાથે એ ભાવ જો ફ્લોર ભાવ અથવા સાંકેતિક ભાવ જેટલો જ આવે તો રિવર્સ બુક બિલ્ડિંગ થકી નિર્ધારિત થનારા ભાવને સ્વિકારવા પ્રમોટર બંધનકર્તા રહેશે.


