– પ્રથમ તબક્કે ટોચની 100 કંપનીઓ પર આ નિયમ 1 ઓક્ટોબર 2023થી લાગુ થશે
– જ્યારે 1 એપ્રિલ 2024થી ટોચની 250 કંપનીઓ પર આ નિયમ લાગુ થઈ જશે
નવી દિલ્હી, 30 માર્ચ 2023, ગુરુવાર : બજાર નિયામક SEBIએ શેરબજારમાં લિસ્ટેડ ટોપ 100 કંપનીઓને કહ્યું છે કે જો તેમની સાથે સંકળાયેલા કોઈપણ સમાચાર કે અહેવાલ બજારમાં ફરી રહ્યા હોય તો તેની પુષ્ટી કે ખંડન 12 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જ સમક્ષ કરવાનું રહેશે.આ આદેશ બજારમાં વધારે પારદર્શકતા લાવવાની સાથે સમયમર્યાદાની અંદર કોઈપણ ઘટનાના ડિસ્ક્લોઝરને સામે લાવવાના ઉદ્દેશ્યથી જારી કરાયો છે.
100 કંપનીઓ પર ઓક્ટોબરથી નિયમ લાગુ થશે
SEBIના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સે બેઠક યોજી હતી.જેમાં જણાવાયું કે શેરબજારમાં કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ ટોચની 100 કંપનીઓ પર આ નિયમ 1 ઓક્ટોબર 2023થી લાગુ થશે.જ્યારે 1 એપ્રિલ 2024થી ટોચની 250 કંપનીઓ પર આ નિયમ લાગુ થઈ જશે.
30 મિનિટમાં માહિતી રજૂ કરવી પડશે
સેબીએ એમ પણ કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકના 30 મિનિટમાં બોર્ડ મીટિંગમાં થયેલી કોઈપણ ચર્ચા કે ડિસ્ક્લોઝરને એક્સચેન્જ સામે લાવવાની રહેશે.ખરેખર બજારમાં જ્યારે પણ કોઈ લિસ્ટેડ કંપનીને લઈને કોઈ અહેવાલ કે સમાચાર આવે છે તો કંપની તરફથી તેના પર ખુલાસો કરતા એકથી બે દિવસનો સમય લેવાય છે અને આ દરમિયાન સ્ટોકમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે.
SEBIના ચેરપર્સને અદાણી મુદ્દે કોઈ ટિપ્પણી ન કરી
સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે અદાણી મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરતા કહ્યું કે આ મામલો હાલ કોર્ટમાં છે. SEBIએ બજાર વ્યસ્થા અને કંપની સંચાલનને સુગમ બનાવવા માટે અનેક પ્રસ્તાવોને મંજૂરી આપી હતી.તેમાં લોકોના લિસ્ટેડ કંપનીઓના નિર્દેશક મંડળમાં કાયમી રીતે જળવાઇ રહેવાના ચલણને સમાપ્ત કરવા તથા શેરબ્રોકરોની છેતરપિંડી પર સકંજો કસવા અંગેના નિયમો સામેલ છે.