By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: #SOCIAL_MEDIA : માનસિક ગુલામીની બેડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Featured > #SOCIAL_MEDIA : માનસિક ગુલામીની બેડી
FeaturedGeneralNational

#SOCIAL_MEDIA : માનસિક ગુલામીની બેડી

HM News
Last updated: 17/12/2020 5:11 AM
HM News
5 years ago
Share
SHARE

– મનગમતી પ્રોડક્ટ અથવા બ્રાન્ડની જાહેરાત અચાનક તમારા મોબાઇલ સ્ક્રીન પર આવે,ત્યારે હરખઘેલા થઈ જવાને બદલે સૌપ્રથમ તો એ વિચાર આવવો જોઈએ કે મારી પસંદ-નાપસંદ વિશે એક સામાન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનને આટલી ચોકસાઈપૂર્વક જાણકારી કેવી રીતે હોઈ શકે?

( પરખ ભટ્ટ દ્વારા )

દુનિયાની સફળત્તમ કંપનીઓ કઈ?એવો સવાલ જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે મગજમાં પહેલાવહેલા ગૂગલ (સર્વજ્ઞ મહારાજ), ફેસબૂક (ચર્ચાનો ચબૂતરો), ટ્વિટર (પારકી પંચાત), એપલ (માન-માભો) વગેરે નામો જ જ યાદ આવે.જરાક ધ્યાનથી વિચારીએ તો સમજાય કે,ટેક્નોલોજીકલ કંપનીઓ જ ૨૧મી સદીમાં ટોચ પર બિરાજી રહી છે. કમ્પ્યુટર ડેટાની કિંમત ક્રૂડ તેલના ભાવની સરખામણીમાં વધી ગયેલી જોવા મળી.ટેક-કંપનીઓ આજે અબજોપતિ છે,એની પાછળનું મુખ્ય કારણ જ આ છે! સોશિયલ અને ડિજિટલ મીડિયા પર જે પ્રકારે યુઝર્સનું વિભાજન કરવામાં આવી રહ્યું છે,એ વાસ્તવમાં માનવ-અધિકારોનું ખંડન કરતી બાબત છે. કમનસીબે, તદ્દન અદ્રશ્ય લાગતો આ મુદ્દો પાછલાં એક દશકાની અંદર જ વિશ્વવ્યાપી બની ગયો છે.

શરૂઆત આવી બિલકુલ નહોતી. દુનિયાને એકબીજા સાથે જોડવાના સદવિચાર સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યા હતાં.એકબીજાના સારા-માઠાં અનુભવો, જીવનની કડવી-મીઠી યાદો અને પોતાના કાર્યોની સુવાસ ફેલાવવા માટે એનો જન્મ થયો હતો.એકલતા અનુભવતાં લોકો માટે એ વરદાન હતું! હા, ‘હતું’ શબ્દ જ અહીં વધારે યોગ્ય લાગી રહ્યો છે.કાશ્મીરની વાત હોય કે અયોધ્યાની, પરિસ્થિતિ એવી છે કે લોકોના ઇન્ટરનેટ વપરાશ પર ફરજિયાતપણે રોક લગાવવી પડે એમ છે.અફવાઓનું બજાર ગરમ કરવામાં સોશિયલ મીડિયાનો સિહફાળો રહે છે.

ઇન્ટરનેટ પર વાણી સ્વાતંત્ર્ય અને ગુપ્તતાની જાળવણીમાં વૈશ્વિક ઘટાડો નોંધાયો છે.માણસના મેચ-મેકર બનવાથી માંડીને વ્યક્તિગત એન્ટરટેઇનમેન્ટ, ફેક્ટ-ચેકર અને મેમરી-સ્ટોર કરવા સુધીના તમામ કાર્યો સોશિયલ મીડિયા પર થાય છે, કેટલાક કિસ્સામાં ઓનલાઇન થેરાપી પણ ખરી! જેનો વાર્ષિક આંકડો એક ટ્રિલિયન ડોલરનો છે. એમ સમજોને કે ખર્વો રૂપિયા! ફ્રી કનેક્ટિવિટી અને અનલિમિટેડ ડેટાના ચક્કરમાં આપણે વપરાશ માટેની શરતો તથા નિયમો તપાસવાનું તો ચૂકી જ ગયા છીએ.

તમે નોંધ્યુ હશે કે કેટલીક જાહેરાતો બહુ જ આસાનીથી મગજમાં ઘર કરી જાય છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાક ફોટો,વીડિયો,મીમ્સ અને જીઆઈએફ (GIF) તરત ફોરવર્ડ કરવાનું મન થાય એવા હોય છે.એમાંની સામગ્રી કોમેડી હોઈ શકે અથવા ક્રોધ અપાવે એવી કે પછી ધર્મ-જ્ઞાતિ પ્રત્યે ધૃણા ઉપજાવે એવી! શા માટે તમારા જ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર આવી જાહેરાતો અથવા પોસ્ટ જોવા મળી રહી છે એ અંગે ક્યારેય મનોમંથન કર્યુ છે?

હકીકત એ છે સાહેબ કે,સોશિયલ મીડિયા પર થઈ રહેલી બધી જ વાતચીત,ક્રેડિટ-કાર્ડ સ્વાઇપ,વેબ સર્ચ,લોકેશન્સ,લાઇક્સ-ડિસલાઇક્સ,કમેન્ટ્સ અને પોસ્ટ આપણી ઓળખ છતી
કરવાનું
કામ કરે છે.ટેક્નોલોજીના આ યુગમાં હવે ડિજિટલ ઓળખને આધારે માણસની પ્રકૃતિ કેવી છે એ નક્કી કરવાનું કામ થઈ રહ્યું છે.દુનિયાની કેટલીય મોટી-મોટી કંપનીઓ પોતાની ઓફિસમાં આવા પ્રકારના ડેટા એકઠા કરીને સમય આવ્યે માણસની દુખતી રગ દબાવવાનું શીખી ગયા છે.એમને ખબર છે કે, મારી-તમારી વ્યક્તિગત પસંદ-નાપસંદ શું છે! આવા યુઝર્સનું ધ્યાન આકર્ષીને એમની પાસેથી પોતાનો સ્વાર્થ સાધવામાં હવે તેઓને ફાવટ આવી ગઈ છે.

ખૂબ જાણીતું ઉદાહરણ આપીને આ વાત સમજાવું. કેમ્બ્રિજ એનાલીટિકા! ૨૦૧૩ની સાલમાં સ્થપાયેલી આ ડેટા એનેલીસિસ ફર્મનું ફેસબૂક સાથેનું કૌભાંડ બહાર આવ્યું હતું. ૨૦૧૬ની સાલમાં તેમના પર આરોપ લાગ્યો કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળ એમનો હાથ છે! કંપનીને તો હાલ તાળા લાગી ગયા છે,પરંતુ એ કેસમાં જે વિગતો બહાર આવી, એ સમગ્ર દુનિયા માટે આઘાતજનક પૂરવાર થઈ. સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પની બ્રાન્ડને વિશાળ બનાવવાનું કામ કેમ્બ્રિજ એનાલીટિકાને સોંપવામાં આવ્યું હતું.તેમના ડિજિટલ કેમ્પેઇન માટે ‘પ્રોજેક્ટ એલેમો’ કાર્યરત હતો.ચૂંટણીના સમયે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની ફેસબૂક-જાહેરાતો પાછળ દસ લાખ ડોલર પ્રતિ દિવસનો ખર્ચ કર્યો હતો! ટ્રમ્પ વિશે શું લખવું, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય એવા વીડિયો, ફોટો અને પોસ્ટ કેમ બનાવવી તથા વિરોધીઓની ધજિયાં ઉડી જાય એવી અપડેટ્સ કેવી રીતે આપવી, એ તમામ કાર્યોમાં
જે પ્રમુખ ભેજું ઉપયોગમાં લેવાયું હતું એ કેમ્બ્રિજ એનાલીટિકાના કર્મચારીઓનું હતું!

નેતાઓ તો પ્રચાર કરે, એમાં ખોટું શું છે? એમાં ક્યાં અનૈતિકતા આવી? એક મિનિટ. ફેસબૂક પર થતી પોસ્ટ જ્યારે યુઝરની પ્રાઇવેસી પોલિસીનું ખંડન કરતી હોય ત્યારે બેશક એ ગુનો બને છે. કેમ્બ્રિજ એનાલીટિકાએ આવું જ કંઈક કર્યુ. એમણે ફેસબૂક પર એક ઓનલાઇન ટેસ્ટ વાઇરલ કર્યો, જેનું નામ હતું : ધિસ ઇઝ માય ડિજિટલ લાઇફ! જેમાં ફેસબૂક યુઝરને એમના જીવન, સંબંધો, ટેવો-કુટેવો, માનસિકતા વિશેના સવાલો પૂછવામાં આવ્યા.સામાન્ય વ્યક્તિને તો એવું જ લાગે જાણે તે ઓનલાઇન ફીડબેક ફોર્મ ભરી રહ્યો છે! પરંતુ વાસ્તવિકતા અલગ હતી.ખરેખર તો આ ટેસ્ટ આપનાર યુઝર સહિત એના ફ્રેન્ડ-લિસ્ટમાંના તમામ મિત્રોનો અંગત ડેટા કેમ્બ્રિજ એનાલીટિકા સુધી પહોંચી રહ્યો હતો, જેની ફેસબૂકના વપરાશકર્તાઓને જાણ સુદ્ધાં નહોતી!

આ રીતે એકઠા થયેલા પાંચ કરોડ યુઝર્સના ડેટાનું પૃથક્કરણ કરીને એમણે ચોક્ક્સ માનસિકતા ધરાવતાં મતદાતાઓના અકાઉન્ટમાં ટ્રમ્પ પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય એવા પ્રકારની જાહેરાતો કરવાનું શરૂ કર્યુ.તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, ૨૦૧૬ની અમેરિકન ચૂંટણીમાં ફેસબૂક પર વિરોધી પક્ષની દાવેદાર હિલેરી ક્લિન્ટનની ૬૬,૦૦૦ વિઝ્યુલ એડવર્ટાઇઝમેન્ટની સરખામણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની કુલ ૫૯ લાખ વીડિયો જાહેરાતો ચલાવવામાં આવી હતી!

એ કંપનીના જ એક ભૂતપૂર્વ ડેટા વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર વિલીએ મીડિયા સમક્ષ આવીને તમામ કરતૂતો પરથી પડદો ઉઠાવ્યો હતો. કેમ્બ્રિજ એનાલીટિકાએ ચોરેલા ડેટાનું શું થયું એનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી.કંપનીના ઘણા-ખરા કર્મચારીઓ આજે પણ ટ્રમ્પ માટે કામ કરી રહ્યા છે. એવામાં પરિણામો શું આવશે એની કલ્પના કદાચ તમે કરી શકશો! અમેરિકાની એક અત્યંત જાણીતી આઇ.ટી. ફર્મ માટે કામ કરતા નિરવ ઠાકરે વાતચીત દરમિયાન જણાવ્યું કે, ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનના વિજયની શક્યતા વધુ સેવાઈ રહી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી જીતને કારણે લગભગ અડધું અમેરિકા રોષે ભરાયું હતું. કેમ્બ્રિજ એનાલીટિકા જેવી કંપનીઓ લોકશાહી માટે ખતરારૂપ છે.યુઝરના અંગત ડેટા સાથે છેડછાડ કરીને એમના મનોમસ્તિષ્કમાં રાજકારણીની ખોટી છબી ઉભી કરવી એ
મતદાતાનું અપમાન છે.

ક્રિસ્ટોફર વિલીની જેમ જ કેમ્બ્રિજ એનાલીટિકાના પાયામાં રહેલી તેની બીજી કર્મચારી બ્રિટની કાઇઝરે પણ પોતાની કંપનીના બદઇરાદા પર પાણી ફેરવવાનું કામ કર્યુ. તેણે સ્પષ્ટપણે જાહેર કર્યુ કે, કેમ્બ્રિજ એનાલીટિકા અલગ અલગ વેબસાઇટ્સ, બ્લોગ, લેખ, વીડિયો અને જાહેરાતોના માધ્યમથી મતદાતાઓના અભિપ્રાયો પર ઊંધો પ્રભાવ પાડવાનું કામ કરી રહી છે.જ્યાં સુધી મતદાતા એમના (કેમ્બ્રિજ એનાલીટિકા) દ્વારા નિશ્ચિત કરેલા નેતા માટે મત આપવાનું મન ન બનાવી લે,ત્યાં સુધી તેના સોશિયલ મીડિયા પર નવી નવી પોસ્ટ દેખાડીને નેતાનું પ્રમોશન કરવામાં આવે છે.વૈચારિક ધોરણે માણસના મગજમાં રીતસરનાં હથોડાં મારવામાં તેઓ અત્યંત પાવરધા પૂરવાર થયા હતાં!

બ્રિટની કાઇઝરના માનવા મુજબ, સાઇકોગ્રાફિક્સ (માણસના મન પર અસર પાડનાર) પોસ્ટને સરકારે શસ્ત્ર તરીકે જાહેર કરી દેવી જોઈએ. યુઝરની પરવાનગી લીધાં વગર આવી કંપનીઓ આખા દેશની માનસિકતા સાથે છેડખાની ન કરી શકે! ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન પ્રજા ધિક્કારી રહી છે, જેના પ્રમુખ કારણોમાં કેમ્બ્રિજ એનાલીટિકા સાથેના તેમના સંબંધોનો પણ સમાવેશ થાય છે.કંપનીના સીઈઓ એલેક્સાન્ડર નિક્સના કરતૂતોનું જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું,એનો વીડિયો જાહેર થતાંની સાથે જ અમેરિકા ખળભળી ઉઠ્યું હતું.

આવા તો કંઈ કેટલાય કિસ્સાઓ છે, જેમાં સોશિયલ મીડિયાની દખલગીરીના પ્રતાપે માણસના વ્યક્તિગત નિર્ણયો અને તેની માનસિકતા પર પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરવામાં આવી હોય! ભારતની ચૂંટણીઓ પણ આમાંથી બાકાત નથી. ૨૦૧૭માં ઉત્તરપ્રદેશમાં ભાજપે કુલ ૬૦૦૦ વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓને પોતાના તરફ ખેંચ્યા. ૨૦૧૮ની સાલમાં યોજાયેલી કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા ૫૦,૦૦૦ વોટ્સએપ ગ્રુપ દ્વારા મતદાતાઓના સીધા સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો!

ડિજિટલ મીડિયાની વાત કરીએ તો, નેટફ્લિક્સ પર પણ જાતપાતનો ભેદભાવ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મુંબઈ શિવસેના આઇ.ટી. સેલના સભ્ય રમેશ સોલંકીએ તો નેટફ્લિક્સ વિરૂદ્ધ રીતસરની પોલીસ ફરિયાદ કરી હતી. તેમનું કહેવું છે કે સેક્રેડ ગેમ્સ, લૈલા, ઘૌલ જેવી સીરિઝ અને ફિલ્મો હિંદુ વિચારધારાને બદનામ કરવાનું કામ કરી રહી છે!

નિર્વિવાદ હકીકત એ છે કે સોશિયલ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા મોટાપાયે સમાજની માનસિકતા પર અસરકર્તા પરિબળ તરીકે જોવા મળ્યા છે.આમ છતાં નિર્ણાયક પરિબળ તરીકે અંતે તો વ્યક્તિની પોતાની સમજશક્તિ અને વિવેકબુદ્ધિ જ સર્વોપરી છે! પરિસ્થિતિના પ્રભાવમાં આવી જઈને નિર્ણયો લેવા એ નરી મૂર્ખામી છે, એ વાત ભારતે ખાસ યાદ રાખવા જેવી છે.

—————————————————————————————————————————–

“માનવમગજની એક નબળાઈ છે. જીવનમાં જ્યારે નિર્ણય લેવાનો વખત આવે ત્યારે આપણે સતત એને પાછળ ઠેલવતાં રહીએ છીએ. હવે ધારો કે,આ કામ આપણા તરફથી કોઈ બીજું કરી આપે તો? સોશિયલ મીડિયા અને ટેક્નો-કંપનીઓ આજકાલ માણસ પર પ્રભાવ પાડીને એમની નિર્ણયક્ષમતા પર સીધો પ્રહાર કરી રહી છે.ફેસબૂક પર દેખાતી જાહેરાતો અથવા વીડિયો આપણા વિચારો પર પ્રભુત્વ સ્થાપવાનું કામ કરે છે.આ સમગ્ર વિષચક્રમાંથી બહાર નીકળવા માટે પહેલા પોતે લીધેલા નિર્ણયની સફળતા તેમજ નિષ્ફળતાની માણસે જવાબદારી લેતાં શીખવું પડશે.”

– નિરાલી ભાટિયા

(સાઇબર સાઇકોલોજીસ્ટ, મુંબઈ)

—————————————————————————————————————————–

“પીડોફાઇલ્સની સમસ્યા હાલ ધીરે ધીરે વકરી રહી છે.સાવ નાના બાળકો સાથે પણ શારીરિક સુખ માણવાની ઇચ્છા થાય,ત્રણ મહિનાના શિશુને જોઈને પણ જેમને જાતીય આવેગ આવે એ વ્યક્તિ પીડોફાઇલ્સ નામના મનોરોગથી પીડાઈ રહ્યો છે એમ કહી શકાય. આવા લોકો સોશિયલ મીડિયા પર અકાઉન્ટ બનાવીને નાના બાળકોના મગજ પર પ્રભાવ પાડવાનું કામ કરે છે.તેમને પોતાની જાળમાં ફસાવી નગ્ન ફોટો મંગાવવાથી માંડીને બાળક સાથે વીડિયો કૉલ પર વાત કરવાનો પણ તેઓ આગ્રહ કરી શકે છે. એક વાત આપણે સૌએ ખાસ સમજવી પડશે કે, સાઇબર ક્રાઇમ હવે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બનવા લાગ્યું છે.સાઇબર ક્રિમિનલ્સ બહુ જ સમજી-વિચારીને પ્લાન કર્યા બાદ સામાન્ય યુઝરને હેરાન કરવા લાગ્યા છે.”

– રિતેશ ભાટિયા

(સાઇબરક્રાઇમ ઇન્વેસ્ટિગેટર, મુંબઈ)

—————————————————————————————————————————–

“જાહેરાતોનું વિશ્વ આજકાલ વિસ્તરી રહ્યું છે.સોશિયલ મીડિયા માર્કેટિંગના આ જમાનામાં આપણને શું દેખાડવામાં આવી રહ્યું છે એના પર એક નજર કરો. ગાડીના ટાયરની જાહેરાતમાં સ્કર્ટ પહેરેલી છોકરીની શું જરૂર? બિસ્કિટની જાહેરાતમાં માતા પોતાના બાળકને પ્રેમથી આખું પેકેટ આપે એવા પ્રકારના માર્કેટિંગની શું જરૂર? ગ્રાહકને વાસ્તવમાં પ્રોડક્ટની ગુણવત્તા જાણવામાં રસ હોવો જોઈએ.કંપનીઓ પોતાના ગ્રાહકોની લાગણીશીલતાનો દુરૂપયોગ કરીને બજારમાં એનું વેચાણ વધારવાના પ્રયત્નો કરી રહી છે.યુઝરના વર્ચ્યુઅલ પ્રોફાઇલને આધારે કંપનીઓ એમની માનસિકતાને અનુરૂપ પોતાની પ્રોડક્ટનું ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ કરી શકે છે.”

– પુનીત ભસીન દડિયા

(સાઇબર એન્ડ લૉ એક્સપર્ટ, મુંબઈ

—————————————————————————————————————————–

‘દેવતાઓ પર હુમલો કરશો તો અમે પણ કોઈની અસલિયત ખુલ્લી પાડીશું’ : નૂપુર શર્મા વિવાદ બાદ બોલ્યાં સાધ્વી પ્રજ્ઞા- વાસ્તવિકતા કહીએ તો તકલીફ કેમ થાય છે?
ભારત બંધના દિવસે જ ખેડૂતોમાં બે ભાગલા પડ્યા : હરિયાણા માં 1.20 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું !
કોંગ્રેસની કમાન સોનીયા પાસે પરંતુ પડદા પાછળ રાહુલ ગાંધી કેપ્ટન
4 બાળકીઓની જાતીય સતામણીના આરોપી 72 વર્ષીય પડોશીને 10 વર્ષની કેદ
પાકિસ્તાન પર હવે વીજળી સંકટ, આખા દેશમાં લાઈટ ગૂલ
Share This Article
Facebook Email Print
Previous Article ૧,૩૦૦ કરોડનું આશરે ચાર હજાર કિલોગ્રામ જેટલું સોનું સ્મગલિંગ કરનાર વોન્ટેડ ભાર્ગવ તંતીની ધરપકડ
Next Article જો આમ થશે તો સંસ્કૃત રાષ્ટ્રીય ભાષા જાહેર થઇ જશે ,સુપ્રીમ કોર્ટમાં પિટીશન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up