અમદાવાદ, તા. 21 માર્ચ 2022 સોમવાર : એસટીની સવારી સલામત મુસાફરીનો દાવો ઉચ્ચ અધિકારીઓની એસી ચેમ્બરમાં બેસી નિર્ણય લેવાની નીતિને પગલે ખોખલો સાબિત થઈ રહ્યાની ઘટના બની છે. વાસણા પાસે રવિવારે પરોઢે ફુલસ્પીડમાં દોડતી એસટી બસમાં બેઠેલા પેસેન્જરોને જીવ જોખમમાં લાગતા બસ ઉભી રખાવી તો નશામાં ધૂત ડ્રાઈવર-કંડકટર બસ મૂકી ભાગ્યા હતા.પોલીસને જાણ કરવામાં આવતા તપાસ દરમિયાન બસમાંથી દારૂની 6 બોટલ પણ મળી હતી.
વાસણા પોલીસ કંટ્રોલ રૂમના મેસેજ આધારે વાસણા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પહોંચી ત્યારે કંટ્રોલ રૂમને ફોન કરી ફરિયાદ કરનાર પેસેન્જર બીજી બસમાં બેસી રવાના થઈ ગય હતા.પોલીસે સ્થળ પર હાજર અન્ય પેસેન્જરો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે,જીજે-18-ઝેડ-3163 નંબરની ઝાલોદ,દાહોદ,મોરબી અને ટંકારાની એસટી બસનો ડ્રાઈવર પુરઝડપે બસ ચલાવતો હોઈ બસ ધીમે ચલાવવા કહ્યું પણ તે બસ ધીમે ચલાવતો ન હતો.બસ રોકાવતા ડ્રાઈવર-કંડકટર બન્ને નશામાં હોવાની જાણ થઈ પણ તેઓ સ્થળ પરથી નાસી ગયા હતા.
પોલીસે એસટી બસમાં તપાસ કરતા ડ્રાઈવર કેબીન પાસે સીટની બાજુમાં બ્લુ તથા ગ્રે પટ્ટાવાળી બેગ મળી જેમાંથી ઈંગ્લીશ દારૂની 180 એમએલની એક એવી 6 બોટલ રૂ.760ની કિંમતની મળી આવી હતી. વાસણા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી એસટી બસ અને દારૂનો જથ્થો કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.