રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૮૨.૭૧ સામે ૫૨૬૩૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૨૮૧.૦૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૫૭.૪૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૪.૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૧૮.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૫૨.૧૫ સામે ૧૫૭૬૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૯૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૨૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા અને નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા તાજેતરમાં અસરગ્રસ્ત ક્ષેત્રો માટે જંગી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છતાં આર્થિક મોરચે આગામી દિવસોમાં પરિસ્થિતિ કથળવાના અંદાજોએ મહારથીઓ, ખેલંદાઓ, ફંડો દ્વારા શેરોમાં સતત ચોથા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખી હતી. ભારતીય શેરબજારમાં રોજબરોજ શરૂઆતી તબક્કામાં તેજી સાથે ખૂલ્યા બાદ અંતિમ કલાકોમાં વેચવાલી નોંધાતા સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ યથાવત રહ્યો હતો.
લાંબા સમયથી ચાલી આવતી શેરોમાં ઓવરબોટ પોઝિશન, તેજીનો અતિરેક શાંત કરીને ફંડો, પ્રમોટરો, ઓપરેટરોએ શેરોમાં ઉછાળે ઓફલોડિંગ કરવાનું ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના સતત વધતાં ભાવ અને ઘર આંગણે નવી વિક્રમી ઊંચાઈને પેટ્રોલ, ડિઝલના ભાવોને લઈ મોંઘવારીમાં અસહ્ય વધારો પણ નેગેટીવ પરિબળ બની રહેવાની ચિંતાએ ફંડો શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૧ અને વધનારની સંખ્યા ૧૬૪૭ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ધિરાણ વૃદ્ધિમાં ઝડપના ટેકા સાથે દેશની ખાનગી ક્ષેત્રની બેન્કોનો હિસ્સો ગયા નાણાં વર્ષમાં કુલ ધિરાણમાં વધી ૩૬.૫૦% રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં આ હિસ્સો ૩૫.૪૦% હતો એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી બેન્કોના ધિરાણ હિસ્સામાં ૧૨% જેટલો વધારો થયો છે. અન્ય બેન્કોની સરખામણીએ ખાનગી ક્ષેત્રની બેન્કોની લોન વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે. પાંચ વર્ષ અગાઉ તેમનો હિસ્સો કુલ ધિરાણમાં ૨૪.૮૦% રહ્યો હતો. ખાનગી ક્ષેત્રની બેન્કોની ધિરાણ વૃદ્ધિ ગયા નાણાં વર્ષમાં ૯.૧૦% રહી હતી. જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ આંક ૩.૬૦% રહ્યો હતો.
વિદેશી બેન્કો દ્વારા ધિરાણમાં ૩.૩૦% ઘટાડો થયો હતો જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૭.૨૦%ની વૃદ્ધિ જોવાઈ હતી. દેશમાં ગયા નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણનો એકંદર વૃદ્ધિ દર ૫.૬૦% રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૪૦% રહ્યો હતો. કોરોનાની દેશના વેપાર-ઉદ્યોગ પર પડેલી અસરથી ધિરાણ ઉપાડ મંદ રહ્યો હતો. કોરોનાથી અસર પામેલા દેશના નાના ઉદ્યોગગૃહો માટે ગયા વર્ષે જાહેર કરાયેલી રૂપિયા ૩ લાખ કરોડની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ હેઠળ બેન્કોએ અત્યારસુધી ૯૦% ધિરાણ છૂટું કર્યું હોવાનું ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું હતું. સ્કીમ હેઠળ બેન્કોએ રૂપિયા ૨.૬૯ લાખ કરોડ છૂટા કરી દીધા છે. વધુ સેગમેન્ટસને સ્કીમનો લાભ પૂરો પાડવા સરકારે તેની મર્યાદામાં વધુ રૂપિયા ૧.૫૦ લાખ કરોડનો વધારો કરાયો છે.


