રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૬૪૯.૬૮ સામે ૫૮૮૩૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૩૪૦.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૯.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૭.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૮૦૭.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૧૩.૬૫ સામે ૧૭૫૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૧૬.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૫૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર સતત હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને અફડાતફડીના અંતે પોઝિટીવ ઝોનમાં રાખીને ફંડોએ કેપિટલ ગુડ્સ, એફએમસીજી, એનર્જી અને ટેલિકોમ કંપનીઓના શેરોમાં પસંદગીની તેજી કરીને બજારને સેન્સેક્સ, નિફટી બેઝડ ઉંચકાવ્યું હતું. જ્યારે બેંકિંગ – ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને રિયલ્ટી શેરોમાં પણ સાધારણ નફારૂપી વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો ઓસરતો જોવાયો હતો.
દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત વિસ્ફોટક રહ્યા બાદ આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ ત્રીજી લહેરની ચિંતાએ આજે સતત ફાર્મા શેરોમાં તેજી રહી હતી. વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને આજે ઈન્ડેક્સ મેનેજ કરીને અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૫ અને વધનારની સંખ્યા ૨૧૧૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ઉત્પાદન ક્ષેત્ર બાદ નવેમ્બર માસમાં દેશના સેવા ક્ષેત્રની કામગીરી છેલ્લા એક દાયકાની ઉંચી સપાટીએ જોવા મળી છે. ઘરેલું માગમાં જોરદાર રિકવરી જળવાઈ રહેતા ગયા મહિને સેવા ક્ષેત્રમાં મજબૂતાઈ ટકી રહી હતી. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલ સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબર માસમાં ૫૮.૪૦ રહ્યો હતો તે નવેમ્બરમાં ૫૮.૧૦ રહ્યો છે. આમ ઓક્ટોબરની સરખામણીમાં આંકડો ઘટીને આવ્યો છે પરંતુ જુલાઇ ૨૦૧૧ પછી આ આંકડો બીજા ક્રમનો સૌથી ઉચો આંકડો છે. નવેમ્બરનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ છેલ્લા એક દાયકાનો બીજો ઊંચો પીએમઆઈ રહ્યો છે.
એશિયાના ત્રીજા મોટા અર્થતંત્ર ભારતમાં વેક્સિનેશનમાં ઝડપ તથા સરકારી ખર્ચમાં વધારાને કારણે અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૮.૪૦ ટકા રહ્યો છે. છેલ્લા નવ વર્ષમાં વર્તમાન વર્ષના ઓકટોબરને બાદ કરતા નવેમ્બરમાં નવા વેપારનું વિસ્તરણ સૌથી ઝડપી ગતિએ જોવા મળ્યું છે, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ અર્થતંત્રને વધુ એક ફટકો મારશે તેવી ચિંતા ઊભી થઈ છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળીને સંયુકત સરેરાશ ઈન્ડેકસ જે ઓકટોબરમાં ૫૮.૭૦ રહ્યો હતો તે નવેમ્બરમાં ૫૯.૨૦ સાથે દસ વર્ષની ઊચી સપાટીની નજીક પહોંચ્યો છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની મજબૂત કામગીરીને જોતા વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઊંચા રહેવા અપેક્ષા જોવા મળી રહી છે.