રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૮૬.૬૯ સામે ૬૦૮૩૭.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૫૯૭.૩૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૯.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨.૦૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૭૧૮.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૩૩.૪૫ સામે ૧૮૨૩૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૮૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨.૪૫ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ૧૮૧૩૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થયા બાદ ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી તોફાન ચાલુ રાખીને સતત બજારને પોઝિટિવ ઝોનમાં રાખ્યું હતું. શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખીને આજે બેઝિક મટિરિયલ્સઅને ટેલિકોમ શેરોમાં વેચવાલી કર્યા સાથે મેટલ કંપનીઓના શેરોમાં આજે મોટું ઓફલોડિંગ કર્યું હતું. અલબત હેલ્થકેર, એફએમસીજી, આઇટી – ટેક શેરોમાં આજે ફંડો, મહારથીઓએ અવિરત પસંદગીની તેજી કરતાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો પચાવાતો જોવાયો હતો.
વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ ચિંતા સાથે વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને સ્થાનિક સ્તરે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતાએ પણ બજાર પર અસર જોવાઈ હતી. ગત ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના હતા. ઉપરાંત તાજેતરમાં મોર્ગન સ્ટેન્લી બાદ ગોલ્ડમેન સાશે પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૧૩ અને વધનારની સંખ્યા ૧૩૦૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશે ભારતીય શેરબજારને ડાઉનગ્રેડ કર્યુ છે. ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને ‘માર્કેટ વેટ’ કરી દીધુ છે અને આ ડાઉનગ્રેડિંગ માટે શેરબજારમાં ચાલુ વર્ષે આવેલી ઐતિહાસિક તેજીને જવાબદાર ગણાવી છે. એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ૦.૭૬%ના ઘટાડાની તુલનાએ, ભારતીય શેરમાં સરળ ધિરાણનીતિ, ઝડપી રસીકરણ અને અર્થવ્યવસ્થા ફરીથી ખુલવાથી વર્ષ ૨૦૨૧માં અંદાજીત ૨૮%ની તેજી આવી છે. નોંધનિય છે કે, ભારતીય શેરબજારની વેલ્યૂએશનમાં અતિશય વધારાને ધ્યાનમાં રાખી અન્ય ઘણી બ્રોકરેજ ફર્મ જેવા કે મોર્ગન સ્ટેન્લી, નોમુરા અને યુબીએસને પણ ભારતીય શેરબજાર પ્રત્યે પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કરવાની ફરજ પડી છે.
ગોલ્ડમેન સાશે પોતાના એક અહેવાલમાં જણાવ્યુ હતું કે, ભારતીય ઇક્વિટી માર્કેટ્સ માટે રિસ્ક- રિવર્ડ હાલના સ્તરે ઓછું આકર્ષક છે. આગામી વર્ષે સંભવિત મજબૂત ચક્રિય અને લાભકારક રિફોર્મ્સ હાલની ઉંચી વેલ્યૂએશન પર સકારાત્મક છે, જો કે બજારને ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો અને અમેરિકામાં ધિરાણનીતિ કડક થવી જેવા અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય બજાર આગામી ૩ થી ૬ મહિનામાં કોન્સોલિડેટેડ રહી શકે છે અને મહદંશે નબળું પ્રદર્શન કરી શકે છે.


