રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૩૨.૫૫ સામે ૪૮૯૯૦.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૨૩.૧૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૦૫.૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૮.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૮૦.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૧૪.૯૫ સામે ૧૪૭૬૨.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૪૪.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૦.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૪.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોનાની અત્યંત ઘાતક નીવડી રહેલી બીજી લહેરના પરિણામે દેશભરમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ અને હવે દેશવ્યાપી લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થવાની અટકળો વચ્ચે દેશમાં બેરોજગારી મોટાપાયે વધવાના એંધાણે અને કોરાનાને અંકુશમાં લેવા વેક્સિનેશનને વેગ આપવાની આવશ્યકતા વચ્ચે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજીનું તોફાન કરી મૂક્યું હતું. ભારત ગંભીર કોરોના સંકટમાં ફસાયો હોઈ અત્યારે આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિશ્વમાંથી જે દેશો પાસેથી મદદ મળી શકતી હોય એ મેળવવા અને દેશના ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર તમામને કામે લગાડવા થઈ રહેલા પ્રયાસોના પરિણામ સારા આવવા લાગી દેશમાં કોરોના સંક્રમણના આંકડા અંકુશમાં આવી રહ્યાના સંકેતો અને દેશના અર્થતંત્રને ખાસ મોટો ફટકો નહીં પડવાના અમુક નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી મોટી ચિંતા ઉપજાવનારા આ સંકટમાં અગાઉ બેંકોએ લોકોની લોનો માફ કરવા મામલે સરકાર સાથે મોટી મડાગાંઠ કરીને બેંકોની લોનોડૂબત ન બને એ પ્રયાસ બાદ આ વખતે ફરી લોનો માફ કરવાનો વખત ન આવે એ માટે આગોતરા પ્રયાસ કરવા લાગતાં ફંડોએ આજે બેંકિંગ શેરોમાં તેજીનું તોફાન મચાવીને સેન્સેક્સને ૪૯૫૦૦ની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૪૯૫૦ની સપાટી પાર કરી હતી. આગામી દિવસોમાં કેન્દ્રિય નાણા મંત્રાલય ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે એવી બતાવાતી શકયતાએ પણ ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૧ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૨૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષ માટે મૂડી’સે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને દેશના સોવેરિન રેટિંગને અપગ્રેડ કરવાનું હાલમાં નકારી કાઢયું છે. રાજકોષિય ખાધ વધવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. વર્તમાન નાણાં વર્ષ ભારતનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૧૩.૭૦% રહેવા મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસિઝે અંદાજ મૂકયો હતો તેમાં હવે ઘટાડો કરીને ૯.૩૦% કરાયો છે.
કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંઓને કારણે માલસામાનના ઉત્પાદનો તથા પૂરવઠા પર ખલેલ પડી છે. કોરોનાની બીજી લહેરની નેગેટિવ અસરને ધ્યાનમાં રાખી અંદાજમાં ઘટાડો આવી પડયો છે એમ મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરમાં ઘટાડાને જોતા ભારત સરકારની રાજકોષિય ખાધ વર્તમાન નાણાં વર્ષના અંતે ૧૧.૮૦% રહેવા ધારણાં મૂકવામાં આવી છે જે અગાઉ ૧૦.૮૦% મુકાઈ હતી. આ સાથે આગામી દીવસોમાં ભારતના એપ્રિલ મહિના માટેના હોલસેલ ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે.


