રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૯.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૪૧.૧૬ સામે ૫૯૪૦૯.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૮૭૧.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૧૫.૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૧૧.૨૫ સામે ૧૭૬૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૫૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૦૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ તુરત અંકુશમાં હોવાના પોઝિટીવ પરિબળ છતાં ઈન્ડેક્સ બેઝડ લાંબા સમયથી અવિરત ઐતિહાસિક તેજી સાથે BSE સેન્સેક્સે ૫૯૭૩૭ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું છે.
ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં ઓલ રાઉન્ડ વ્યાપક તેજી બાદ ઉછાળે નરમાઈ બતાવી હતી. બજાર ઈન્ડેક્સ બેઝડ મહત્વના મૂકામ પર આવી પહોંચ્યું હોઈ અને ફંડોએ આજે સપ્તાહના અંતે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એક મહિનામાં ફરી કોરોના ડેલ્ટા સંક્રમણ ફેલાવાની શરૂઆત થયાના અહેવાલે ચિંતા વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે સ્થાનિક સ્તરે પણ નરમાઈ જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ ફંડોએ આજે અફડાતફડીના અંતે મેટલ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ અને પાવર ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૫ અને વધનારની સંખ્યા ૧૨૩૧ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડિટી વધારતા પગલાં, નવા રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો તથા ચીનમાં નિયમનકારી ધોરણોને કારણે ભારતીય શેરબજારોમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. ઉપભોગ માગમાં વધારો, વિક્રમી નીચા વ્યાજ દર અને ઉત્પાદન ક્ષેત્રના ભાવિમાં થઈ રહેલો સુધારો કદાચ ભારતની ઈક્વિટીઝ બજારોમાં રેલીને ઈંધણ પૂરું પાડતા હશે, તેમ છતાં આ વધારાની ઝડપી ગતિ ભારતીય અર્થતંત્ર સામે જોખમો વધારી રહી છે. માર્ચ ૨૦૨૦માં વિક્રમી નીચી સપાટીએથી નિફટી ફ્યુચર ઈન્ડેકસમાં ૧૩૦%નો વધારો થયા બાદ હાથ ધરાયેલા અભ્યાસમાં શેરબજારની વર્તમાન તેજી જોખમો વધારી રહી છે.
ગયા વર્ષના ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકથી આ રેલીએ દેશના જીડીપીમાં દરેક ત્રિમાસિકમાં અંદાજે ૧%નો વધારો કરાવ્યો છે. જો કે ઈક્વિટીઝમાં ઝડપી વૃદ્ધિએ બજારમાં કોઈપણ પછડાટ સામે અર્થતંત્રના જોખમમાં વધારો કર્યો છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. તેના ઐતિહાસિક ટ્રેન્ડ સ્તરેથી ૩૫% ઉપર ટ્રેડ થઈ રહેલો નિફટીમાં કોઈપણ પીછેહઠ તેજ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ૧.૪૦%નો ઘટાડો કરાવશે અને પછીના વર્ષમાં આ ઘટાડો ૩.૮૦% હશે. ભારતીય શેરબજાર જેટલા ઊંચે જાય છે ત્યારે તેના ઘટાડાની સ્થિતિમાં અર્થતંત્ર સામે એટલું જ જોખમ ઊભું થાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વ રાહતો પાછા ખેંચવાના સમયગાળા પર હાલમાં વિચારણા કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.


