રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૮૦.૭૩ સામે ૪૯૯૮૬.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૯૫૯.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૨.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૧૯૩.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૨.૧૦ સામે ૧૫૦૮૦.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૭૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૧૫૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશના માથે કોરોનાની બીજી અત્યંત ઘાતક લહેર ચાલી રહી છે, એવામાં હવે કુદરત કોપાયમાન થઈ વિનાશક વાવાઝોડાની આફતરૂપી મહા સંકટમાં ઘેરાઈ ગયો હોવા છતાં ભારતીય શેરબજારોમાં વિપરીત ચાલે આજે ફંડો, મહારથીઓએ શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન મચાવી દીધું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ફરી ખરીદી ચાલુ કરીને સેન્સેક્સને ૫૦૦૦૦ અને નિફટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી.
દેશના માથે આવી પડેલા આ મહાસંકટની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે સતત બીજા દિવસે ફંડોએ ઓટો શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. ઇન્ડેક્સ બેઝડ તોફાની તેજી સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદીકરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૪ અને વધનારની સંખ્યા ૧૯૪૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સંક્રમણમાં વધારો થતા વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનાવાતા ભારતીય અર્થતંત્ર તો પુનઃ ખોરવાઈ જવા પામ્યું છે. તેની સાથોસાથ મહામારી વકરતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ આગામી સમયમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે તેમ આર્થિક નિષ્ણાંતોનું માનવું છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતમાં સંક્રમણમાં વધારો ન થાય તે માટે વિશ્વના અંદાજીત ૪૦ દેશો ભારતને મદદ કરી રહ્યા છે. આ મદદ પાછળનો મુખ્ય આશય ભારત આ કટોકટીમાંથી ઉગરી જાય તે રહેલો છે. મહામારીના પગલે ભારતમાં ઉદ્ભવેલું સંકટ એ માત્ર આરોગ્ય ક્ષેત્રનું જ સંકટ નહીં બલ્કે વૈશ્વિક અર્થતંત્ર સામે સંકટ ઊભું કરશે.
ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો અને મૂલ્યના સંદર્ભમાં ૧૧મો સૌથી મોટો છે. તે વૈશ્વિક સ્તરે નિકાસ કરેલી કુલ દવાઓના ૩.૫% અને જેનરિક દવાઓના વૈશ્વિક નિકાસના આશરે ૨૦% યોગદાન આપે છે. જો આ નિકાસ રૂંધાશે તો વિશ્વવ્યાપી આરોગ્યસંભાળ માટેના તમામ પ્રકારના પરિણામો પ્રતિકૂળ બની રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં, ભારત વિશ્વની ૭૦% રસી પેદા કરે છે. જો આ રસીની નિકાસ રૂંધાશે તો પણ તેની વૈશ્વિક અર્થતંત્ર પર અસર થશે.