રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૫.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૯૦૨.૬૪ સામે ૪૯૯૭૧.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૪૯૬.૭૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૨.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૭.૭૮ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૫૬૪.૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૦૫૯.૪૫ સામે ૧૫૦૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૧૧.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૯૩૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે પોઝિટિવ વૈશ્વિક સંકેતો સાથે ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થયા બાદ કોરોના સંક્રમણને અટકાવવા વેક્સિનેશનને ઝડપી પ્રયાસ વચ્ચે સ્વદેશી કોવાક્સિન અને રશીયાની સ્પુટનિકનું ઉત્પાદન કર્ણાટકમાં કરવાના અહેવાલ છતાં કોરોનાનો નવો સ્ટ્રેઈન સિંગાપુરમાં મળી આવ્યાની ચિંતા અને એના ભારત સાથે કનેકશનના અહેવાલ વચ્ચે દેશમાં ઘણાં ભાગોમાં લોકડાઉનની પરિસ્થિતિ લાંબો સમય ચાલવાની અટકળોએ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનના ચાલતાં પણ આજે ફંડોની રિઝલ્ટ મુજબ પસંદગીના શેરોમાં લેવાલી રહી હતી, ઉપરાંત સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં બે તરફી અફડાતફડી જોવાઈ હતી.
કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર વચ્ચે બે દિવસ વાવાઝોડાની કુદરતી આફતે દેશના પશ્ચિમી રાજયો કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે નુકશાન કરતાં અને આ મહાસંકટ કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર થતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ પેકેજ જાહેર થવાની અપેક્ષા વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં ઈેન્ડેક્સ બેઝડ તેજીને વિરામ અપાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૯ અને વધનારની સંખ્યા ૧૬૪૦ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સાવચેતી બની રહેવાની શકયતા છે. એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો હોઈ આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે. જેથી હવે વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર રહેશે.
આ સાથે કોરોનાના નવા સ્ટ્રેઈનના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.


