રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૮૨૨.૦૧ સામે ૫૬૩૨૦.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૦૪૭.૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૩.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૭.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૩૧૯.૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૩૫.૦૫ સામે ૧૬૭૫૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૭૦૮.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૬.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૮.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૮૧૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારોમાં લાંબા સમયથી વિક્રમી તેજી જોવાયા બાદ અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન -ઘટાડાનો દોર ચાલુ સપ્તાહની શરૂઆતમાં પણ ચાલુ રહ્યો હતો પરંતુ આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ગઈકાલ ઘટાડા બાદ નોંધપાત્ર ઉછાળા સાથે થઈ હતી. ગત સપ્તાહે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગમાં બમણો કાપ મૂકવાનું એટલે કે બોન્ડ ટેપરીંગ બમણું કરવાનું જાહેર કર્યા સાથે ફુગાવા – મોંઘવારીને અંકુશમાં લેવા વર્ષ ૨૦૨૨માં ત્રણ વખત વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપ્યાને નેગેટીવને બદલે વૈશ્વિક બજારોએ પોઝિટીવ લેખી વૈશ્વિક બજારો પાછળ રિકવરી સાથે ફુગાવા પર ફોક્સ જરૂરી હોવાનું અને અર્થતંત્રને હવે સ્ટીમ્યુલસ – બોન્ડ બાઈંગની વધુ જરૂર નહીં હોવાનું જણાવીને આર્થિક મોરચે સારા સંકેત આપાતાં અને બીજી તરફ ચાઈનીઝ અર્થતંત્રમાં સતત ભંગાણને લઈ એડવાન્ટેજની અપેક્ષાએ એશીયાના બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.
કોર્પોરેટ પરિણામોની ડિસેમ્બર ૨૦૨૧ની સીઝનમાં સારા પરિણામોની અપેક્ષા અને દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવા છતાં નેગેટીવમાં પોઝિટીવ અને પોઝિટીવ પરિબળોમાં નેગેટીવ બજારની ચાલ બતાવી ખેલંદાઓ, ટ્રેડરોને ખુવાર કરવાનો ફંડો, મહારથીઓનો ખેલ ચાલુ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે ઈન્ડેક્સ બેઝડ સતત ત્રણ દિવસની મંદીને બ્રેક લગાવી ફંડોએ આજે મેટલ, કન્ઝયુમર ડયુરેબલ્સ અને બેઝિક મટિરિયલ્સ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. આ સાથે આઇટી – ટેક અને રિયલ્ટી શેરોમાં લેવાલી કરી શરેરાશ ૮૫૩ પોઈન્ટની અફડાતફડી કરીને બીએસઇ સેન્સેક્સને અંતે ૪૯૭ પોઈન્ટ વધીને અને નિફ્ટી ફ્યુચર ૧૭૮ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેઝિક મટિરિયલ્સ, ટેક અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૬ અને વધનારની સંખ્યા ૨૨૮૧ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાનો નવો વેરીયેન્ટ પ્રબળ બનતા વિશ્વના અનેક દેશો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક દેશો દ્વારા પુન: લોકડાઊનનો માર્ગ અપનાવાયો છે. આ મુદ્દાને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વના તમામ દેશોને અપાયેલી ચેતવણીની બજારનું માનસ ખરડાવાની સાથોસાથ વિદેશી સહીત તમામ રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. ઓમિક્રોનની ચિંતાની બીજી તરફ યુએેસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ રેપરીંગ વહેલુ કરવાના એટલે કે બોન્ડબાઇંગ પ્રોગ્રામ વહેલો અટકાવવાના આપેલા સંકોત, ક્રૂડના ભાવોની આગે કૂચ સહિતના અન્ય અહેવાલોની પણ વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરીયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરતા આરોગ્યની સાથે સમગ્ર વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ જવાની દહેશત સહિતના અન્ય પ્રતિકુળ અહેવાલો પાછળ ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારથી સતત દૂર થઇ રહ્યા છે. મારા મત મુજબ ઉભરતા બજારોમાં ભારત મૂલ્યાંકનની દ્રષ્ટિએ ટોચ ઉપર છે પરંતુ ઓમિક્રોન અને ફેડરલની પ્રતિકૂળતાએ ઊભરતા બજારોમાં આઉટફ્લો વધ્યો છે. જે જોતા આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજાર રેન્જબાઊન્ડ રહેશે અથવા તો ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળે તેવી શક્યતા છે. આ સંજોગોમાં આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.