રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૩૧૫.૨૮ સામે ૫૭૫૬૭.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૮૧૩.૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૦.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૦.૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૨૪.૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૭૮.૪૫ સામે ૧૭૧૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૦૨.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કોરોના સંક્રમણ યુરોપ – દક્ષિણ આફ્રિકા સહિતના ઘણાં દેશોમાં વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સપ્તાહના અંતે સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. વિશ્વમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટના કેસોમાં મળતો સતત વધારો અને અનેક રેર્ટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કર્યાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થતા ફોરેન – સ્થાનિક ફંડોની સતત વેચવાલીએ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
સ્થાનિક સ્તરે નેગેટીવ પરિબળો એક સાથે માથું ઉચકીને બજાર પર હાવી થતાં વેચવાલીના દબાણના પગલે સ્મોલકેપ – મિડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી હતી. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વધતા પુન: લોકડાઉન, વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી અને દેશના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો સહિતના અન્ય અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા કેટલાક સમયથી વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી જોવા મળી છે. તેમાં ય વળી આગેવાન વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરતા તેમનું મોરલ વધુ ખરડાતા ભારતીય શેરબજારમાં સતત ત્રણ દિવસની તેજીને બ્રેક લાગી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૫% સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૧ અને વધનારની સંખ્યા ૧૫૭૩ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી વૈશ્વિક સ્તરે લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી સપ્તાહમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં વધુ કરેકશન જોવા મળી શકે છે, ઉપરાંત સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં શકય છે ફંડોની એક્ઝિટને પગલે ઘટાડો જોવા મળી શકે છે.
બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ચૂક્યું છે. નેગેટીવ પરિબળો માથું ઉચકીને એક સાથે બજાર પર હાવી થવા લાગ્યા છે. ફરી યુરોપના દેશોમાં કોરોના મહામારીની પરિસ્થિતિ, ફુગાવો – મોંઘવારી, અમેરિકામાં વ્યાજ દરોમાં ગમે તે ઘડીએ વધારો થવાની શકયતા અને ક્રુડ ઓઈલના ઊંચા પ્રવર્તતા ભાવોની પરિસ્થિતિ અને ભારતીય શેરબજારમાં ઓવર વેલ્યુએશનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હોઈ ત્યારે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.