રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૫૮.૧૫ સામે ૫૭૩૧૭.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૪૩૯.૩૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૯.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૧.૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૨૭૬.૯૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૮૩.૪૫ સામે ૧૬૯૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૬૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૨.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૧૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ થઈ રહેલી ઉથલપાથલ સાથે આજે ભારતીય શેરબજારમાં બે-તરફી અફડાતફડીના અંતે સતત ઘટાડા તરફી ચાલ આગળ વધી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ યુક્રેન મામલે અમેરિકા – રશીયા વચ્ચે યુદ્વના ભણકારાં અને બીજી તરફ ફુગાવા – મોંઘવારીને કાબૂમાં લેવા યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારાની મીટિંગમાં વ્યાજ દરમાં વધારો માર્ચ મહિનાથી કરવામાં આવશે એવી તેવા અહેવાલ અને કોરોના – ઓમિક્રોનના સંક્રમણથી વૈશ્વિક આર્થિક અધોગતિના એંધાણ વચ્ચે વૈશ્વિક શેરબજારો સાથે ભારતીય શેરબજારમાં છેલ્લા સાત દિવસમાં મોટી ઉથલપાથલ બાદ સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સના આરંભિક કડાકા બાદ બજાર ઝડપી રિકવર થઈને પોઝિટીવ ઝોનમાં આવી જતાં આજે અન્ય વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પણ આરંભિક આંચકા બાદ શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. જો કે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દરેક ઉછાળે ફંડોની સતત નફારૂપી વેચવાલી નોંધાતા ગુરુવારે આઠમા સત્રમાં ભારતીય ઈક્વિટી બેન્ચમાર્કમાં ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિકમાં કેન્દ્રિય બજેટ ૧, ફેબ્રુઆરીના રજૂ થનારું હોઈ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષનો દર ૧૦%થી વધારીને ૧૫% કરવામાં આવશે અને લોંગ ટર્મનો ગાળો એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે એવી બજારમાં અહેવાલે શેરોમાં ફંડો, મહારથીઓ, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાર્વત્રિક વેચવાલી કરતાં દોટને લઈ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ઓટો અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૪ અને વધનારની સંખ્યા ૧૪૮૦ રહી હતી, ૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક પરિણામો કંપનીઓ પર કાચા માલના ઊંચા ખર્ચનો બોજ આવી રહ્યો છે અને તેને કારણે તેમના નફાનું માર્જિન દબાણ હેઠળ છે એવા સંકેત મળી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર અને ક્રુડ તેલના ઊંચા ભાવને ધ્યાનમાં રાખતા વર્તમાન ત્રિમાસિક ગાળામાં પણ માર્જિન દબાણ હેઠળ રહેશે તેમ જોવાઈ રહ્યું છે. અત્યારસુધી જાહેર થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામોમાંથી ૧૪૦ જેટલી કંપનીઓના પરિણામોની કરાયેલી સમીક્ષામાં તેમનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૫.૬૫% વધ્યાનું જોવા મળ્યું છે. ગયા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓએ નફામાં ૨૮.૦૩% વૃદ્ધિ હાંસલ કરી હતી. નેટ વેચાણમાં ૧૮.૨૧%ની વૃદ્ધિ રહી હતી જે ત્રણ ત્રિમાસિક ગાળાની નીચી સપાટીએ હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નેટ વેચાણ ૨૦.૬૬% વધ્યું હતું. આઈટી સેવા ક્ષેત્રની ૧૬ જેટલી કંપનીઓના નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૬.૯૦% વૃદ્ધિ થઈ છે જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ આંક ૧૪.૩૦% રહ્યો હતો. કર્મચારી પાછળના ખર્ચમાં વધારાને કારણે આઈટી સેવા કંપનીઓના માર્જિન દબાણ હેઠળ રહેતા હોવાનું જોવા મળી રહ્યું છે.
વિશ્વ એક તરફ કોરોનાના ભરડામાંથી મુક્ત થઈ રહ્યાના અહેવાલો – સંકેતો વચ્ચે યુરોપ, એશીયાના દેશો લોકડાઉનના અંકુશો દૂર કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિશ્વ આ સંકટના કાળમાં નવી ફુગાવા – મોંઘવારીની અસહ્ય સમસ્યાથી ઘેરાયું છે. ક્રુડ ઓઈલના ભાવમાં ભડકા સાથે બ્રેન્ટના ભાવ ૯૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ચાલુ વર્ષમાં ભાવ ૧૦૦ ડોલરથી વધુ પહોંચી જવાની આગાહીઓને લઈને ફુગાવાનું પરિબળ જોખમી બની રહ્યું છે, આમ છતાં પાછલા એક સપ્તાહમાં બજારમાં અણધાર્યા મોટા કરેકશનને ધ્યાનમાં લેતાં અત્યારે બજારમાં ઓવર સોલ્ડ જેવી પોઝિશન છે. જે થી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં કેન્દ્રિય બજેટ પૂર્વે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.