રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૧૦૭.૧૫ સામે ૫૭૦૨૮.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૩૮૨.૯૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪૩.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૨૬૦.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૫૨.૧૫ સામે ૧૭૦૯૪.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૫૦.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૯૩.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ જોવા મળતા ઉપરાંત વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી કરવાનું ચાલુ રાખ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને અફડાતફડીના અંતે પોઝિટીવ ઝોનમાં રાખીને ફંડોએ આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના – કેશ સેગ્મેન્ટના શેરોમાં વ્યાપક ઓફલોડિંગ કર્યું હતું. ફંડોએ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, એનર્જી, ટેલિકોમ અને બેન્કેક્સ કંપનીઓના શેરોમાં પસંદગીની તેજી કરીને બજારને સેન્સેક્સ, નિફટી બેઝડ ઉંચકાવ્યું હતું. જ્યારે યુટિલિટીઝ, રિયલ્ટી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં અને પાવર – ઓઇલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં પણ સાધારણ નફારૂપી વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો ઓસરતો જોવાયો હતો.
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી જોવાયા બાદ અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન -ઘટાડાનો દોર ચાલુ સપ્તાહની શરૂઆતમાં ચાલુ રહ્યો હતો. કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક -ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યો હોવા છતાં નેગેટીવમાં પોઝિટીવ અને પોઝિટીવ પરિબળોમાં નેગેટીવ બજારની ચાલ બતાવી ખેલંદાઓ, ટ્રેડરોને ખુવાર કરવાનો ફંડો, મહારથીઓનો ખેલ ચાલુ રહ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે શેરોમાં વેચવાલી સામે સ્થાનિક ફંડો, મ્યુચ્યુઅલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં લેવાલી રહેતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, ટેલિકોમ અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૩૫ અને વધનારની સંખ્યા ૯૬૬ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં ઘણા લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેવી વેચવાલી કે કરેકશન જોવા મળ્યું હતું. વિદેશી સંસ્થાઓએ છેલ્લા ૨૫ સત્રમાં અંદાજીત રૂ.૪૮,૪૦૦.૫૮ કરોડની જંગી વેચવાલી કરતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં જાન્યુઆરી પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે અને ત્રણ મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યા હતા. વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલી વેચવાલીના ભારે દબાણ પાછળ ગત સપ્તાહે સ્મોલકેપ, મિડકેપ તેમજ લાર્જકેપના શેરોમાં મોટાપાયે વેચવાલી નીકળતા આ શેરોમાં મોટા ગાબડા નોંધાયા હતા. જોકે, આજે સપ્તાહના પ્રથમ દિવસે આ ઘટાડા બાદ રીટેલ ગ્રાહકો અને સ્થાનિક ફંડોની ખરીદી જોવા મળી હતી.
અમેરિકામાં વ્યાજ દર વધશે એવી ધારણાએ પણ વિદેશી સંસ્થાઓ સતત વેચવાલી કરી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત છે કે રીટેલ ગ્રાહકો પણ ખરીદી કરી રહ્યા છેં અને તેમની ખરીદી છેલ્લા એક મહિનામાં વધારે તીવ્ર બની છે. ભારતીય શેરબજારની સામે ફુગાવાના કારણે વ્યાજ દર વધશે એવું એક જ જોખમ હતું, પણ તેના બદલે દક્ષીણ આફ્રિકા અને હોંગકોંગમાં વધારે ઝડપથી પ્રસરી રહેલો કોરોના વાઇરસનો નવા વેરિઅન્ટ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં હજુ ઉછાળે નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે, જે થી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.