મુંબઈ: બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શુક્રવારે બિહારના આઈપીએસ અધિકારી વિનય તિવારીનો ક્વોરન્ટાઈન પીરિયડ ખતમ કર્યો.વિનય તિવારી સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તપાસ કરવા માટે બિહારથી મુંબઈ પહોંચ્યા હતાં.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે આઈપીએસ વિનય તિવારીના ક્વોરન્ટાઈન પર કડક ટિપ્પણી કરી હતી.ત્યારબાદ આજે તેમનો ક્વોરન્ટાઈન ખતમ કરવામાં આવ્યો. બીએમસીના આદેશમાં એસપી વિનય તિવારીને ક્વોરન્ટાઈન કરવાનું કારણ આપતા જણાવાયું કે આશ્ચર્ય છે કે સીનિયર ઓફિસરે મહારાષ્ટ્રમાં આવતા પહેલા પ્રદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન ન કર્યું. આથી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં.
એસપી વિનય તિવારી મુંબઈથી પટણા માટે સાંજે 5:30 વાગ્યાની ફ્લાઈટથી રવાના થશે.બીએમસીએ મેસેજ દ્વારા વિનય તિવારીને તેમના ક્વોરન્ટાઈન ખતમ કરવાની સૂચના આપી.આ સાથે જ બીએમસીએ આ આદેશની કોપી બિહાર પોલીસ હેડક્વાર્ટર મોકલી છે.વિનય તિવારીએ ને ફોન પર જણાવ્યું કે તેમની ફ્લાઈટ સાંજે 5:30 વાગ્યાની છે.આ ફ્લાઈટ કોઈ કનેક્ટિંગ ફ્લાઈટ છે જે પટણા વાયા હૈદરાબાદ જશે.
નોંધનીય છે કે મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં તપાસ કરવા મુંબઈ આવેલી બિહાર પોલીસને સાથ આપતી ન હતી.જ્યારે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટે કેન્દ્રને ભલામણ કરી તો કેન્દ્ર દ્વારા સ્વીકારી લેવાઈ અને હવે આ કેસ સીબીઆઈ પાસે છે.